ભરતસિંહ અચાનક ‘સક્રિય’ થતાં ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ વધુ વકરવાના ભણકારા

  • ભરતસિંહ અચાનક ‘સક્રિય’ થતાં ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ વધુ વકરવાના ભણકારા

રાજકોટ તા,13
કોંગ્રેસમાં જૂથવાદ ફરી ભડકે એવા અણસાર પક્ષના જ કેટલાંક સીનિયર આગેવાનો જોઈ રહ્યા છે. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક બાદ હજુ થોડા સમય પહેલાં જ ઉહાપોહ શાંત થયો છે એવામાં ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ‘સક્રીય’ પણે કમબેક કરવાના ‘મૂડ’માં હોય તેમ જણાઈ રહ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામેના છૂપા જનાક્રોશ વાળા માહોલમાં ભવ્ય વિજયની સંભાવના છતાં કોંગ્રેસ થોડાક માટે જ કાચી પડી હતી અને શીર્ષસ્થ નેતાગીરીની કાર્યરીતિ સામે ધૂંધવાટ ફેલાયો હતો, પ્રદેશથી માંડીને શહેર-જિલ્લા-નગરો સુધી કાર્યકરો નારાજ હોવાના કચવાટને પગલે સંગઠન માળખામાં ધરખમ ફેરફાર કરાયા હતા. તત્કાલીન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પણ હટાવીને તેમના સ્થાને અમિત ચાવડાને નિમણૂંક અપાઈ હતી.
જોકે એ પછી પણ જૂથવાદ સાવ શન્યો ન્હોતો એવામાં ભરતસિંહ સોલંકી, જે છેલ્લા થોડા મહિનાથી નિષ્ક્રીય જેવા હતા તે હવે પુન: ‘સક્રીય’ બન્યા છે. અમેરિકાથી પરત આવી ગયેલા સોલંકીના નિકટના વર્તુળોએ તેમના સમર્થકો સહિત સહુને તેના સંકેત પણ આપવા માંડ્યા છે. શનિવાર, તા.14મીએ અમદાવાદમાં અતિ મહત્વની અષાઢીબીજ નિમિત્તની ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે તેના સ્વાગત માટે ભરતસિંહના નામ ફોટાવાળા પોસ્ટર-બેનર-હોર્ડિંગ ઠેરઠેર લાગી ગયા છે. પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષ નેતા કે રાષ્ટ્રીય અગ્રણીના નામ-ફોટા વિના સોલંકીને જ જાણે વ્યક્તિગત પ્રમોટ કરાતા હોય તેવા આ બેનર્સ તેમના જૂથમાંથી જ કોઈએ લગાવડાવ્યા હોય તેવી કોંગ્રેસમાં ચર્ચા છે. આ અને આવી ગતિવિધિ હાલના સંગઠન અગ્રણીઓ તથા સામેના-અસંતુષ્ટ જૂથ વચ્ચેની તિરાડ સૂચવનારા
મનાય છે.