મહેબૂબાની BJPને ધમકી: PDP તૂટશે તો ઘણાં આતંકી પેદા થશે

  • મહેબૂબાની BJPને ધમકી: PDP તૂટશે તો ઘણાં આતંકી પેદા થશે

જમ્મુ તા.13
જમ્મુ-કાશ્મીરમાં ભાજપના સહયોગ સાથે ચાલી રહેલ સરકાર તૂટ્યા બાદ હવે મહેબૂબા મુફ્તીની સામે પોતાની પાર્ટી પીડીપીને બચાવાનું સંકટ છે. પીડીપી માંથી બળવાના ગંભીર સંકેતો મળી રહ્યાં છે અને મહેબૂબાએ બળવો પોકારતા નેતાઓ પર કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમએ ભાજપ અને કેન્દ્ર સરકારને પણ ચેતવણી આપતા કહ્યું છે કે જો પીડીપીને તોડવાની કોશિષ થઇ તો તેના ખતરનાક પરિણામ ભોગાવવા પડશે. એમ કહેતા મહેબૂબાએ 1990ના દાયકાના કાશ્મીર અને સલાઉદ્દીન જેવા આતંકીઓનો પણ ઉલ્લેખ કર્યો. મહેબૂબાએ ભાજપ અને કેન્દ્ર સરકારને 1987ના
(અનુસંધાન પાના નં.10)
ઘટનાક્રમની યાદ અપાવતા ચેતવણી આપી છે. મહેબૂબાએ કહ્યું કે જો દિલ્હી 1987ની જેમ લોકોના વોટિંગ રાઇટ્સને રદ્દ કરવાની કે કાશ્મીરના લોકોના ભાગલા પાડવાની કોશિષ કરશે તો ખતરનાક સ્થિતિ ઉભી થશે. મહેબૂબાએ કહ્યું કે ત્યારે જે રીતે એક સલાઉદ્દીન અને યાસીન મલિક ઉભા થયા હતા, આ વખતે તો સ્થિતિ એનાથી પણ ખરાબ હશે. જમ્મુ-કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે મહેબૂબાનું નિવેદન આપત્તિજનક છે. તેમણે કહ્યું કે ભાજપ કોઇ તોડફોડની પ્રક્રિયામાં લાગેલી નથી.
આની પહેલાં મહેબૂબા મુફ્તીએ ગુરૂવારના રોજ બળવાખોર નેતાઓ પર એક્શન લેવાનું શરૂ કરી દીધું. પીડીપીએ વિધાન પરિષદ સભ્ય યાસિક રેશીને બાંદીપુરા જિલ્લા અધ્યક્ષ પદ પરથી સસ્પેન્ડ કરી દીધા. યાસિર રેશી એ પીડીપી નેતાઓમાંથી એક છે જેણે જાહેરમાં મહેબૂબા મુફ્તીની આલોચના કરી હતી. પીડીપીમાં બળવાખોરના સૂર ખૂબ વધી ગયા છે, જેને લઇ સ્વાભાવિક પણે મહેબૂબા પરેશાન દેખાઇ રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે થોડાંક દિવસ પહેલાં જ પીડીપીના એક નેતાએ દાવો કર્યો હતો કે કેટલાંય ધારાસભ્ય પાર્ટી છોડવા માટે તૈયાર છે. જાદીબલથી પીડીપીના નારાજ નેતા આબિદ અંસારીએ દાવો કર્યો છે કે 14 ધારાસભ્ય પાર્ટી છોડવા માટે તૈયાર છે. શિયા નેતા ઇમરાન અંસારી રજા અને અંસારી પહેલાં જ પીડીપી છોડવાની જાહેરાત કરી ચૂકયા છે.
ભાજપે મહેબૂબા મુફ્તીના નિવેદનો પર આપત્તિ નોંધાવતા તેમના આરોપોને પણ રદ્દ કરી દીધા છે. આપને જણાવી દઇએ કે સૈયદ સલાઉદ્દીન હાલ આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનો ચીફ છે અને પાકિસ્તાનમાં બેઠા-બેઠા ભારતની વિરૂદ્ધ આતંકી ગતિવિધિઓને અંજામ આપે છે. જ્યારે યાસીન મલિક કાશ્મીરના મોટા અલગતાવાદી નેતાઓમાંથી એક છે.