શુકનવંતી પર્વમય સોહામણી અષાઢી બીજ

  • શુકનવંતી પર્વમય સોહામણી અષાઢી બીજ
  • શુકનવંતી પર્વમય સોહામણી અષાઢી બીજ
  • શુકનવંતી પર્વમય સોહામણી અષાઢી બીજ

અષાઢ માસ એટલે ઘેરાયેલા વાદળો તથા આકાશમાંથી વરસતું અમૃતસમ નીર અને લીલીછમ ધરતી. કુદરતનું અપાર સૌંદર્ય આ મહિનામાં જ પુરબહારમાં ખીલે છે. વર્ષાને વરસવાની મોસમ સાથે ઉત્સવની મોસમ પણ શરૂ થાય છે. ઉત્સવની ઉજવણી સાથે ધાર્મિક અને આધ્યાત્મિક વર્ષામાં ભીંજાવાના પણ આ પવિત્ર દિવસોનો આરંભ થાય છે. આ માસનો સૌથી પવિત્ર મંગલમય અને પાવનકારી દિવસ એટલે અષાઢી બીજ. ચંદ્રદર્શનનો તો આમ પણ મહિમા છે. ચંદ્રદર્શન મધુર અને આનંદદાયક છે ત્યારે અષાઢ માસના બીજના દર્શનનો મહિમા અનેરો છે. બીજના ચંદ્રની સોનેરી લકીરના દર્શનથી હૈયામાં આનંદની હેલી ઉભી થાય છે. ચંદ્ર હંમેશા માનવને શાંતિ આપે છે. ધાર્મિક અને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે પણ ચંદ્રદર્શનનો મહિમા અનેરો છે. અનેક પર્વો ધરાવતો આ પાવન દિન એટલે અષાઢી બીજ. સાહિત્યમાં પણ આ દિવસનો અનેરો મહિમા ગાન કરવામાં આવ્યો છે. અષાઢી બીજનો પવિત્ર અને યાદગાર ઉત્સવ: રથયાત્રા અષાઢી બીજના પાવન દિવસની સૌથી મહત્વપૂર્ણ ઘટના એટલે પ્રભુ જગન્નાથજીની રથયાત્રા. જે ચારધામ તીર્થ ઓળખાય છે તેમાં એક જગન્નાથપુરી પણ છે. જ્યાં 9 દિવસની રથયાત્રામાં ત્રણ વિશાળ રથોમાં ભગવાન જગન્નાથજી, દાઉ બલરામજી અને બહેન સુભદ્રાજી બીરાજે છે અને નગરયાત્રાએ આપેલ રથનું નામ નંદીઘોષ, દાઉજીના રથનું નામ તાલધ્વજ અને બહેન સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે. રથયાત્રાની ઉજવણી પાછળ અનેક લોકવાયકા છે. જગન્નાથપુરી ઓરીસ્સાના રાજાને નજીકની નદીમાંથી વિશાળ લાકડુ મળ્યું. તેને થયું કે આ લાકડાનું શું કરવું તે રાત્રીએ ભગવાન શ્રીકૃષ્ણએ તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે કાલે એક શિલ્પકાર તારી પાસે આવશે તેને તું આ લાકડુ આપી દેજે.
બીજે દિવસે તે શિલ્પકાર આવ્યો અને લાકડુ લેતા કહ્યું કે મહારાજ હું ર1 દિવસ એકાંતમાં રહીને લાકડામાંથી મૂર્તિ બનાવીશ પણ ત્યાં સુધી કોઇએ ત્યાં આવવું નહીં પરંતુ સોળમાં દિવસે રાજા કુતુહલવશ ત્યાં ગયા તો હાથ-પગ વગરની અધુરી મૂર્તિ જોઇ અને શિલ્પકાર અદ્રશ્ય થઇ ગયો હતો. રાજા તો ખુબ જ દુ:ખી થઇ રડવા લાગ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા અને કહ્યું કે આજ સ્વરૂપમાં તું પુજા કર આથી રાજાએ બધી મૂર્તિ રથમાં પધરાવી રથયાત્રા કાઢી અને આનંદવિભોર બની અશ્ર્વને જોડવાને બદલે તે પોતે જ રથ ખેંચવા લાગ્યો. આમ ત્યારથી જ આજ સુધી રથયાત્રામાં ભગવાનના રથને દરેક સ્વહસ્તે ખેંચે છે જેમાં નાતજાતના કોઇ ભેદભાવ રાખવામાં આવતા નથી ત્યારથી ભગવાનની આ રથયાત્રા સમગ્ર 
ભારત વર્ષના દરેક શહેર અને ગામોમાં ભાવ અને ભકિતના વાતાવરણ વચ્ચે નીકળે છે.
જેમ ભાવિકોના હૃદય ભકિતથી ભીંજાય છે એ રીતે કુદરત પણ પોતાની પ્રભુ પ્રત્યેની લાગણી આકાશમાંથી અમીછાંટણા સ્વરૂપે વરસીને વ્યકત 
કરે છે. કચ્છી માંડુઓ ઉજવે છે 
નુતન વર્ષ
ગગન ગાજે મોરલા બોલે માથે ચમકતી વીજ
હાલો પાન્જે કચ્છડે મેં આવે અષાઢી બીજ
અષાઢી બીજ એટલે કચ્છીઓ માટે નવા વર્ષની ઉજવણીનો દિવસ.
નવા વર્ષની ઉજવણી પાછળ પણ મહત્વની વાત છે. કચ્છના રાજા જામ લાખા પૃથ્વીનો અંત ક્યાં છે? અને ત્યારબાદ આગળ શું છે? એ જાણવા વિશ્ર્વના પ્રવાસે નીકળ્યા હતા અને પરત ફર્યા ત્યારે અષાઢી બીજનું મનમોહી લેતું વાતાવરણ જોયું. ચારેતરફ હરિફાળી નદી નાળા પાણીની ભરપુર, પંખીઓનો કલરવ તેઓ ખુશ થઇ ગયા. સમગ્ર ધરતીને જાણે નવજીવન મળ્યું હોય તેવા વાતાવરણમાં તેમણે નવા વર્ષની ઉજવણી કરી. ત્યારથી અષાઢીબીજને 
કચ્છી માંડુઓ નવ વર્ષ તરીકે ઉજવે છે. જેમાં બધા 
વડીલોના આશીર્વાદ લઇ એકબીજાના મોં મીઠા કરાવીને 
એક બીજા પ્રત્યે શુભેચ્છા વ્યક્ત કરે છે અને મેઘરાજા વરસીને 
કચ્છની ધરતીને નવપલ્લવિત કરી દે એવી ભગવાનને પ્રાર્થના 
પણ કરે છે. કચ્છી માંડુઓને નવા વર્ષ માટે 
અનેક અનેક શુભકામનાઓ. "અષાઢી બીજ - નવાં લક્ષ્યના આયોજનનો દિવસ પ્રાચીન સમયમાં અષાઢી બીજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોઈ પાકનું વાવેતર નક્કી થતું. યોગ્ય બિયારણને માટલામાં મૂકીને ચૈતન્યથી સભર કોઈ મંદિર પાછળ રાતભર દાટવામાં આવતું. સવારે બીજનું વજન વધુ આવે તો પાક સારો થશે અને બિયારણનું વજન ઘટે તો પાક સારો નહીં રહે એવી ધારણા કરવામાં આવતી. એવી જ રીતે માટીનું વજન વધે તો ભેજનું પ્રમાણ વધારે અને ચોમાસું સારું જશે એવું માનવામાં આવતું. જેનું મૂળ કારણ અષાઢી બીજથી કોસ્મિક એનર્જીમાં થતાં ફેરફાર છે. 
અષાઢી બીજથી જેમ સારો પાક લેવા માટે આગોતરું આયોજન કરવામાં આવે છે તેમ મનુષ્યની પણ ભૌતિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક પ્રગતિ માટેના આયોજનનો આ શ્રેષ્ઠ સમય છે. ચંદ્રમાની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એનર્જીની અઠયાવીસ દિવસનિયોજન સાયકલ હોય છે. વૈજ્ઞાનિકો કહે છે કે ચન્દ્રની કળાઓની પૃથ્વી પર, સમુદ્રના મોજાં અને મનુષ્ય શરીરના સિત્તેર ટકા પાણી પર પણ અસર થાય છે. વર્ષાઋતુથી પ્રકૃતિમાં નવસર્જનની ઊર્જાનો સંચાર થાય છે જેમાં અષાઢી બીજથી ગુરુપૂર્ણિમા સુધી ચંદ્રના માધ્યમથી નવીન ઊર્જાનો સંચાર થાય છે. વૈજ્ઞાનિકો અનુસાર આ સમય છે ીક્ષભજ્ઞક્ષતભશજ્ઞીત ળશક્ષમ (અજાગૃત મન)માંથી નકારાત્મક લાગણીઓરૂપી ઊર્જા દૂર કરી નવાં લક્ષ્યનું શ્રેષ્ઠ આયોજન કરવાનો. એકમથી ત્રીજ સુધી આ માટેની ઊર્જા પણ પ્રકૃતિમાંથી પ્રાપ્ત 
થાય છે. 
અષાઢી બીજના દિવસે સામૂહિકતામાં પ્રસન્નતા સાથે જો આ કાર્ય થાય તો ગુરુપૂર્ણિમા સુધીમાં પ્રાપ્ત થનારી ચંદ્રની શ્રેષ્ઠ ઊર્જાને ગ્રહણ કરી મનુષ્ય પ્રગતિ કરી શકે છે.
-મોહિત કાચા
આધ્યાત્મિક વક્તા, ધ્યાનયોગ નિષ્ણાંત, લાઈફ કોચ ભકતોને દર્શન આપવા રથયાત્રા દ્વારા ખુદ પ્રભુ પધારે છે દર વર્ષે અષાઢી બીજના પાવન દિને રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય રીતે ભકતો ધર્મસ્થાનકોમાં ભગવાનના દર્શને જતા હોય છે. આ એક જ દિવસ એવો છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળી ભકતોને દર્શન આપે છે. ભગવાન જ્યારે આપણા આંગણે પધારે એ ખુબ મહત્વ ધરાવે છે. ભકતોના અહોભાગ્ય અને સદ્દનસીબ હોય એને જ ભગવાન સામેથી દર્શન દેવા આવે છે. આ રીતે દર્શન દેવા પધારેલ પરમાત્માના દર્શનથી જીવન ધન્ય બને છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. ફકત દર્શન માત્રથી આત્મા શુધ્ધ થાય છે. રથને દોરડાથી ખેંચવામાં આવે છે એનો આધ્યાત્મિક અર્થ એવો થાય છે કે આજ રીતે હે પ્રભુ તું અમને આ સંસાર રથમાંથી ઉગારજે. જે લોકો રથને ખેચવા શકિતમાન ન હોય તે લોકો રથ અને રથના દોરડાને સ્પર્શ કરી પ્રભુને પ્રાર્થના કરી લે છે. એવી માન્યતા પણ છે કે રથયાત્રામાં યથાશકિત તન, મન, ધનથી યોગદાન આપવાથી ભગવાન જગન્નાથજીના અવિરત આશીર્વાદ રહે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠનું ખુબ મહત્વ છે. આમ આ દિવસે પ્રભુની ભકિત કરવાથી તમામ પ્રકારના સંસારના બંધનોમાંથી ભગવાન મુકત કરે છે અને મોક્ષનો માર્ગ ખુલે છે.