રાજકોટ જિલ્લામાં ઓરી-રૂબેલા નિયંત્રણ અભિયાન

રાજકોટ તા,12
રાજ્યભરમાંથી ઓરી-રૂબેલા નિયંત્રણનું ધ્યેય આરોગ્ય વિભાગ તરફથી સ્વીકારવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજ્યભરમાં ઓરી-રૂબેલા નિયંત્રણ અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે 9 માસથી 15 વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી-રૂબેલા રસીથી આવરી લેવાના રહેશે. આ અભિયાનના ભાગરૂપે આગામી તા.16 જુલાઈ 2018થી રાજકોટ જિલ્લામાં કુલ 4,23,407 બાળકોને ઓરી-રૂબેલાની રસી આપવામાં આવશે.
આ કામગીરી માટે જિલ્લામાં 4891 રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર અને શિક્ષકોની અને વોલ્યંટર્સની બનેલી રસીકરણ ટીમ દ્વારા પ્રથમ તમામ શાળાઓમાં, ત્યારબાદ આંગણવાડી કાર્યકર અને શિક્ષકોની અને વોલ્યંટર્સની બનેલી રસીકરણ ટીમ દ્વારા પ્રથમ તમામ શાળાઓમાં, ત્યારબાદ આંગણવાડી, દરેક સરકારી દવાખાનાઓ, ગ્રામ્ય વિસ્તારના કારખાના વિસ્તાર વગેરેમાં રસીનો એક ડોઝ આપવામાં આવશે. આ કામગીરીમાં 6000 જેવા અધિકારી/ કર્મચારીઓ રોકાયેલા છે. આ બધાને તાલીમ પણ આપવામાં આવેલ છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અર્બન સેન્ટરોમાં રસીનો પુરતો જથ્થો પહોંચાડવામાં આવેલ છે.
આ કાર્યક્રમની સફળતા મળે તે માટે ઘનિષ્ઠ પ્રચાર પ્રસારની કામગીરી પણ કરવામાં આવેલ છે. ગૃહ મુલાકાત, જુથ મીટીંગો, પ્રદર્શન, રેલી, વકૃત્વ સ્પર્ધા, વિલેજ હેલ્થ કમિટીની મીટીંગો, સાહિત્ય વિતરણ, ભિતસૂત્રો, માઈક પ્રચાર, બેનર લગાવવા મોટા હોર્ડીંગો લગાવી આરોગ્ય શિક્ષણની કામગીરી પણ કરવામાં આવેલ છે.
જિલ્લા સરકારી શાળાઓ, આંગણવાડીઓ, બાલમંદિરો વગેરે તથા પ્રાઈવેટ ડોકટરો, બાળરોગ નિષ્ણાંત ડોકટરોના યુનિયનો જેવા કે આઈ.એમ.એ. આઈએપી વિગેરે અને રોટરી તથા લાયન્સ કલબ જેવી સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ અસરકારક સહકાર મેળવવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે. તમામ ખાનગી શાળાઓમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય પણ સહકાર આપી આ કામગીરીમાં 100 ટકા સિધ્ધી મેળવવા તત્પર છે.
આ કામગીરી માટે જિલ્લાના મેડીકલ ઓફીસરોની મિટિંગ યોજીને માર્ગદર્શન આપવામાં આવેલ છે. તેમજ જિલ્લા કક્ષાએ કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ઓરી- રૂબેલા નિયંત્રણ સ્ટીયરીંગ કમિટીની મિટિંગ યોજી વિગતવાર આયોજન કરવામાં આવેલ છે. આ અંગેનું તમામ આયોજન જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી અને રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તરફથી કરાવવામાં આવેલ છે.
રસીકરણના આ દિવસોએ તમામ વાલીઓને તેમના 9 માસથી 15 વર્ષ સુધીના બાળકોને શાળામાં રસી અપાવવા જાહેર અપીલ કરવામાં આવે છે. અગાઉ ગમે તેટલી વાર રસી લીધેલ હોય તો પણ બાળકને રસી અપાવવા અપીલ કરી છે.