મુખ્યમંત્રીની હાજરીમાં રવિવારે પૂજય નમ્રમુનિ આદિ 75 ઠાણાનો ભવ્ય પ્રવેશોત્સવ

  • મુખ્યમંત્રીની હાજરીમાં રવિવારે પૂજય નમ્રમુનિ આદિ 75 ઠાણાનો ભવ્ય પ્રવેશોત્સવ

રાજકોટ,તા.12
લાંબા સમયથી રાજકોટનાં જૈન સમાજ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેવા શાસન પ્રભાવનાનાં અનેક શિખરો સર કરીને રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મ.સા. રાજકોટની પાવન ધરા પર 75 સંત-સતીજીઓનાં સમૂહ ચાતુર્માસ કલ્પ અર્થે પધાર્યા છે ત્યારે તેમનાં આગામી રવિવારનાં મંગલ પ્રવેશને વધાવવા શ્રી રોયલપાર્ક સ્થા. જૈન સંઘના ભાવિકો અનેરો ઉત્સાહથી થનગની રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે 1992 તેમજ 1997માં ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના નેતૃત્વમાં અનુક્રમે એક સાથે 92 અને 72 સંત-સતીજીઓના રાજકોટની ધરા પર થયેલાં અવિસ્મરણીય ચતુર્માસની શૃંખલામાં એક ઓર સુવર્ણ પુષ્ઠ ઉમેરવા ગુજરાત રત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી પિયુષમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી ચેતનમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય શ્રી વિનમ્રમુનિ મહારાજ સાહેબ, તેમજ પૂજ્ય શ્રી પવિત્રમુનિ મહારાજ સાહેબ આદિ છ સંતોની સાથે ગોંડલ સંપ્રદાય વરિષ્ઠા પૂજ્ય શ્રી ગુલાબબાઈ મહાસતીજી, આદર્શયોગિની પૂજ્ય શ્રી પ્રભાબાઈ મહાસતીજી મળીને એક સાથે 75 સંત-સતીજીઓના સામુહિક ચતુર્માસ અર્થે પધારી રહ્યાં છે ત્યારે તેમના આગમનને અહોભાવથી વધાવવા ભવ્ય અને દિવ્ય સ્વાગત શોભાયાત્રા આયોજિત કરવામાં આવી છે.
તા 15.07.2018 રવિવાર સવારના 08:00 કલાકે ધર્મ વત્સલ શ્રી નટવરલાલ હરજીવન શેઠ વિસાવદરવાળાના નિવાસસ્થાન ઠાકોરદ્વાર ઍપાર્ટમેન્ટ, પર્ણકુટિ સોસાયટીથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. રાજકોટના રાજમાર્ગો પર જયકાર ગુંજવતી શોભાયાત્રા શ્રી જીતુભાઇ બેનાણી, એટલાન્ટા એપાર્ટમેન્ટ થઈ શ્રી તપસમ્રાટ ચોક થઈને ડુંગર દરબાર-અમિન રોડ જંક્શન,150 રીગ રોડ, ઝેડ બ્લુની સામે રાજકોટ ખાતે વિરામ પામશે જ્યાં 08:45 થી 12:30 કલાક દરમ્યાન સંત-સતીજી સ્વાગત સમારોહ યોજાશે.
વિશાળ સંખ્યામાં થઇ રહેલાં સામુહિક ચાતુર્માસની અનુમોદના કરીને શુભેચ્છા અર્પણ કરવા આ અવસરે રાજકોટમાં બિરાજમાન પૂજ્યવર જશ-ઉત્તમ પરિવારના, શ્રી સંઘાણી સંપ્રદાયના, શ્રી અજરામર સંપ્રદાયના તેમજ શ્રી શ્રમણ સંઘના સાધ્વીજી ભગવંતોની સાથે શ્રી સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના પદાધિકારીઓ, શ્રેષ્ઠિવર્યો, મહિલા મંડળો, અર્હમ યુવા સેવા ગ્રુપ, લુક એન લર્ન, શ્રી ગરિમા ગ્રુપ, શ્રી ગોંડલ મહિલા મંડળ, શ્રી જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ, શ્રી રોયલપાર્ક પુત્રવધુ મંડળ, શ્રી વિજ્યાબા મંડળ, સંબોધિ સત્સંગ, શ્રી જૈન વિઝન ગ્રુપ અને શ્રી જૈનમ ગ્રુપ આદિ અનેક મિશન્સના સભ્યો તેમજ સૌરાષ્ટ્રના ધારી, વિસાવદર, બગસરા, જૂનાગઢ, વેરાવળ, ગોંડલ, અમરેલી, લાઠી, સાવરકુંડલા, સુરત, વડોદરા, અમદાવાદ, બાબરા, મુંબઈ, કલકત્તા, ચૈન્નઈ, જેતપુર, ધોરાજી, પોરબંદર, જામનગર, ઉના, કાલાવડ વગેરે સંઘો તથા હજારો ભાવિકો ઉપસ્થિત રહેશે.વિશેષમાં, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખાસ આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવેશ વધામણા કરવા તેમજ 75 સંત-સતીજીના સમૂહ ચાતુર્માસની શુભેચ્છા અર્પણ કરવા ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે આ અવસરે સી. એમ. પૌષધશાળાનું લોકાર્પણ કરવામાં આવશે.
ચાતુર્માસ મંગલ પ્રવેશના કાર્યક્રમની સાથે છેલ્લા પાંચ રવિવારથી રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીના બ્રહ્મનાદથી કરાવવામાં આવી રહેલી મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની 21 દિવસિય સંકલ્પ સિદ્ધિ સાધનાના છઠા તબક્કાની સાધના ભાવિકોને કરાવવામાં આવશે. વિશિષ્ટ પ્રકારના મંત્રોચ્ચાર અને લયબદ્ધ સ્વરે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના શ્રીમુખેથી કરાવવામાં આવતી આ સિદ્ધિની સાધનામાં વિશાળ સંખ્યામાં ભાવિકો લાભ લઈને દિવ્યાનુભૂતિ કરી રહ્યા છે જે 21 રવિવાર સુધી અખંડ સ્વરૂપે રાજકોટવાસીઓને કરાવવામાં આવશે.
ચાતુર્માસ મંગલ પ્રવેશની સ્વાગત શોભાયાત્રાના પ્રારંભ પહેલાં ઉપસ્થિત સર્વ ભાવિકો માટે અલ્પાહાર નવકારશીનું આયોજન ઉદયભાઈ કાનગડ (સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન-રાજકોટ) તરફથી કરવામાં આવ્યું છે.
પરમ સદભાગ્ય ખીલ્યાં હોય એવી ધરા પર જ એકસાથે 75 સંત-સતીરત્નના ચાર ચાર માસની સ્થિરતા પ્રાપ્ત થતી હોય છે. રાજકોટની સદભાગી ધરાને પ્રાપ્ત થયેલા તીર્થ સ્વરૂપ સંત-સતીજીઓના સમૂહ ચાતુર્માસની અહોભાવથી અનુમોદના કરીને ધન્ય બનવા આ અવસરે સહુ ધર્મપ્રેમી ભાવિકોને પધારવા શ્રી સંઘ અને પૂજ્યવર ડુંગર ગુરુપ્રાણ ચાતુર્માસ સમિતિ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. શોભાયાત્રા બાદ ડુંગર દરબારમાં ભવ્યાતિભવ્ય સ્વાગત સમારોહ : ચાતુર્માસ અને પ્રવેશ માટે ભાવિકોમાં ઉત્સાહ અને તડામાર તૈયારી