જસદણના કુંદણી ગામની સીમમાં થયેલી હત્યાના ગુનામાં આરોપીના જામીન રદ

રાજકોટ તા.1ર
જસદણના કુંદણી ગામની સીમમાં પાંચ મહિના પહેલા તળાવમાંથી માછલી પકડવાની જાળ નાખવા બાબતે માથાકુટ થતા કોળી પ્રૌઢની છરીના ઘા ઝીંકી હત્યા થઇ હતી. જે ગુનામાં પકડાયેલા આરોપીએ જામીન મુકત થવા કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
આ કેસની વિગત મુજબ જસદણના શાંતિનગરમાં રહેતા ગાંડુભાઇ લઘરાભાઇ કરેશીયા (ઉ.વ.પર) અને કુંદણી ગામની સીમમાં રહેતા મહેશ બટુકભાઇ મીણીયા (ઉ.વ.ર3) ગત તા.ર1/ર ના કુંદણી ગામની સીમમાં તળાવમાં માછલી પકડવાની જાળ નાખી હોય જે બાબતે કુવાડવામાં વેલનાથ સોસાયટીમાં રહેતા આબીદ મહમદ ભટ્ટી સહિત ત્રણ આરોપીઓએ બોલાચાલી કરી છરીના ઘા ઝીંકી દેતા ગાંડુભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે મહેશભાઇને ઇજા થઇ હતી. આ અંગે ઇજાગ્રસ્ત મહેશભાઇને ભાડલા પોલીસમાં ફરીયાદ નોંધાવતા હત્યા, હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં પકડાયેલા અને જેલહવાલે થયેલા આરોપી આબીદ ભટ્ટીએ જેલમુકત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે ચાલી જતા બંને પક્ષોની દલીલો સાંભળી સેશન્સ જજ પી.કે.સતિષકુમારે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. મહેશ જોશી રોકાયા હતા.