વિરપુરના ગેસ્ટહાઉસમાં રાજકોટના શખ્સનો પરિણીતા ઉપર બળાત્કાર


જેતપુર તા,12
વિરપુરના ગેસ્ટ હાઉસ સહિત રાજકોટના શખ્સે મોરબીની પરિણીતા પર લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પરિણીતાએ વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચકચાર મચી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ મુળ મોરબીમાં રહેતી અને કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલી પરિણીતા રાજકોટથી પોરબંદરના બાવળાવદર ગામે રાજકોટના કોઠારીયા રોડ પર પીરવડી પાછળ આવેલા અક્ષરદિપ કોમ્પ્લેક્ષમાં રહેતા જીજ્ઞેશ ઉર્ફે ગોપાલ ભીખુભાઇ સરપદડિયાની કારમાં કામ કરવા અવાર નવાર જતી હતી.
દરમિયાન રાજકોટના કાર ચાલક શખ્સ ગોપાલે પરિણીતાને પોતાની વાકછટ્ટામાં ફસાવી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં આ શખ્સે છેલ્લે વિરપુરના ગેસ્ટ હાઉસમાં પરિણીતાને લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ આચર્યુ હતું.
બાદમાં આ શખ્સે લગ્નનો ઈન્કાર કરી દેતા ભોગ બનનારી પરિણીતાએ રાજકોટના શખ્સ ગોપાલ ઉર્ફે જીજ્ઞેશ ભીખુભાઇ સરપદડીયા સામે પોતાના પર વારંવાર દુષ્કર્મ ગુજારવા અંગે ફરિયાદ નોંધાવતા વિરપુર પોલીસે તપાસ હાથ ધરી છે.