વાઇબ્રન્ટ પૂર્વે ગુજરાતમાં મૂડીરોકાણ ઘટયું : મુખ્યમંત્રી લાલઘુમ

ગાંધીનગર તા.1ર
દેશના રોલ મોડલ ગણાતા મુડીરોકાણ અને ઉદ્યોગોને આકર્ષવામાં ગુજરાતના વળ્યા પાણી શરૂ થયા છે. તાજેતરમાં વર્લ્ડ બેંક અને ડીપાર્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશન દ્વારા જાહેર કરવામાં રેન્કીંગમાં ગુજરાતમાં ઉદ્યોગોનું મૂડીરોકાણ ઘટયું છે અને ર01પ માં ટોપમાં રહેલ ગુજરાત માત્ર ચાર વર્ષમાં પાંચમાં સ્થાને ધકેલાઇ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી લાલઘુમ બન્યા છે. રેન્કીંગ સામે સવાલ ઉઠાવી ગુજરાત ઉદ્યોગોમાં મુડીરોકાણમાં અવ્વલ નંબરે જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમીટ યોજાનાર છે ત્યારે રાજ્યોમાં ઉદ્યોગનું મૂડીરોકાણ મુદ્દે રેન્કીંગ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતનો નંબર ત્રીજામાંથી પાંચમાં સ્થાને થતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી લાલઘુમ બન્યા છે.
બુધવારે કેબિનેટ મિટિંગમાં સિનિયર આઇએએલ અધિકારીઓનો ક્લાસ લીધો હતો અને ગુજરાત પોતાનો રેન્ક જાળવી રાખવામાં ક્યાં નિષ્ફળ ગયું તે અંગે વિગતવાર રિપોર્ટ આપવા જણાવ્યું. ગુજરાતે ડીઆઇપીપી અને વર્લ્ડબેન્ક દ્વારા ઇઓડીબી રેન્ક આપવાની પદ્ધતિ પર પણ સવાલો ઉઠાવ્યા. ગુજરાત ગવર્મેન્ટના એક અધિકારીએ કહ્યું કે, રેન્કનું જે રીતે કેલક્યુલેશન થયું તે રીત યોગ્ય નથી. આ મામલે ડીઆઇપીપી તરફથી સ્પષ્ટતા માંગીએ છીએ.
વધુમાં અધિકારીએ કહ્યું કે હરિયાણાના ફિડબેક સ્કોર (82.9%)ની સરખામણીએ ગુજરાતનો ફિડબેક સ્કોર (83.64%) ઉંચો હોવા છતાં અને એવિડન્સ સ્કોર (99.73%) પણ હરિયણાથી ઉંચો હોવા છતાં ગુજરાત પાછળ રહ્યું. સંયુક્ત રીતે એવિડન્સ સ્કોર અને ફિડબેક સ્કોરના આધારે રેન્કિંગ આપવામાં આવતી હોય છે. રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અપલોડ કરવામાં આવેલ એવિડન્સના આધારે એવિડન્સ સ્કોર મળે છે અને સર્વિસ ઉપલબ્ધ કરી હોય તેવા યૂઝર્સના ફિડબેકના આધારે ફિડબેક સ્કોર નક્કી થાય છે.
ડેવલપમેન્ટ સંબંધી એક સૂત્રએ જણાવ્યું કે, અમે ગુજરાતનો રેન્ક ત્રીજા નંબરેથી સુધરીને બીજા નંબરે પહોંચી જશે તેવી અપેક્ષા ધરાવતા હતા, પણ ઉલટાનો રેન્ક લપસીને પાંચમા સ્થળે પહોંચી ગયો છે જેથી અમને પણ આઘાત લાગ્યો છે. સીએમ આ રેન્કથી નારાજ હતા અને તેમણે આ મામલે સ્પષ્ટતા માંગી છે કે રાજ્યમાં આટલા બધા સુધારા થવા છતાં રાજ્યનો રેન્ક કેમ ન સુધર્યો. ઉલ્લેખનીય છે કે 2015માં ગુજરાતનો રેન્ક પહેલા નંબરનો હતો પણ 2016માં તે ત્રીજા નંબરે પહોંચ્યો અને 2017માં પાંચમાં નંબરે પહોંચી ગયો.
મધ્ય પ્રદેશનો ફિડબેક સ્કોર (79.73%) છત્તીસગઢથી ઉંચો હોવા છતાં મધ્ય પ્રદેશ પાછળ રહ્યું. આ બંને રાજ્યનો રેન્ક છઠ્ઠો અને સાતમો છે. આ વખતે પણ બિઝનેસ કરવા માટે બેસ્ટ સ્ટેટ તરીકે આંધ્ર પ્રદેશ બાજી મારી ગયું. બિઝનેસ રિફોર્મ એકશન પ્લાન (બીઆરએપી) ઈન્ડેક્સ મુજબ તેલંગણા અને હરિયાણા અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે રહ્યું. સીઆઇઆઇ પ્રમુખ રાકેશ ભારતી મિત્તલે કહ્યું કે, દરેક રાજ્યમાં વાજબી વૃદ્ધિની ખાતરી કરવા માટે ફાયદાકારક રોકાણ સિસ્ટમ ઉભી કરવી ખાસ જરૂરી છે અને તેના માટે રેન્કિંગ સિસ્ટમમાં સુધારો પ્રોત્સાહક સાબિત થશે.