અંતે લો કોલેજની ખાલી બેઠકો ટ્રાન્સફરથી ભરવા યુનિ.નો આદેશ

રાજકોટ તા.1ર
શહેરની એકમાત્ર ગર્વમેન્ટ એે.એમ.પી. લો કોલેજમાં આ વર્ષે બેઠકોનો મોટી સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેેને લઇ વિદ્યાર્થીઓને અનેકગણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વિદ્યાર્થીઓની મુશ્કેલીને લઇ એનએસયુઆઇ દ્વારા લો કોલેજ સામે ઉગ્ર વિરોધ કરાયો હતો. તાળાબંધી પણ કરવામાં આવી હતી. યુનિ.ના કુલપતિને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતા કોલેજ પ્રિન્સીપાલે પુરતી બેઠકો નહી ભરતા યુનિ.ના રજીસ્ટાર દ્વારા લો કોલેજને લેખીતમાં જાણ કરવામાં આવી છે. હવે કોલેજ પ્રિન્સીપાલ દ્વારા બેઠકો ભરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે.
લો કોલેજમાં ગત વર્ષે 180 સીટો ભરવામાં આવી હતી પરંતુ આ વર્ષે કોલેજના પ્રિન્સીપાલ પ્રકાશ કાગડાએ બેઠકો ઘટાડી 1ર0 કરી નાખતા હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થી સંગઠનોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. આ તકે યુનિ. દ્વારા પુરતી બેઠકો ભરવા પ્રકાશ કાગડાને જણાવ્યું હતું છતા તેઓએ બેઠકો ન ભરતા એનએસયુઆઇ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે રજીસ્ટાર ધીરેન પંડયાએ બીજા અને ત્રીજા વર્ષમાં ખાલી પડેલ બેઠકો ઉપર ટ્રાન્સફરથી પ્રવેશ આપવા લો કોલેજને લેખિત પત્ર પાઠવી આદેશ કરવામાં આવ્યો હતો. જે પત્ર આજે લો કોલેજના પ્રિન્સીપાલને મળ્યો હતો.
પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે લો કોલેજમાં સેકંડ, થર્ડ એલએલબીમાં અભ્યાસક્રમમાં ખાલી પડેલ બેઠકો પર અન્ય કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાન્સફરથી સમાવવા જણાવ્યું હતું. હવે લેખિત આદેશનું પાલન થાય છે કે નહીં એ એક મોટો પ્રશ્ર છે.