પરિણીતાને આપઘાતની ફરજ પાડવાના કેસમાં પતિ-સાસરિયાનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા,12
શહેરના કોટક શેરીમાં રહેતી સોની પરિણીતાને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં પતી સહિતના સાસરીયાઓ વિરૂધ્ધ કરેલો કેસ ચાલી જતાં સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોેષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. કોટક શેરીમાં રહેતા અને ઈમીટેશન, જવેલરીનો વ્યવસાય કરતા યોગેશ હસમુખભાઈ બારભાયા, ઈલાબેન હસમુખભાઈ બારભાયા, હસમુખભાઈ વિઠલદાસ બારભાયા, નિલેશ હસમુખભાઈ બારભાયા વિરૂધ્ધ મોરબીમાં રહેતા સોની જસ્મીનભાઈ ચમનભાઈ રાણપરાએ તેમની બહેન નિમીષા ઉર્ફે ભાવીશાને શારીરીક, માનસીક ત્રાસ આપી અને પતિ યોગેશ અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો રાખી આપઘાત કરવાની ફરજ પાડેલ હોય અને તે અંગે મહીલા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ત્રાસ અને મરવા મજબૂર કર્યાની ફરીયાદ નોંધાવેલી હતી. અને ફરીયાદમાં પતિ યોગેશ તથા દીયર નીલેશ તથા સાસુ, સસરા પરણીતા નિમીષાને ખુબજ મારકુટ કરી અને ઘરકામ જેવી બાબતોમાં અવાર નવાર મેણા ટોળા મારી હેરાન કરતા હતા અને પતિ યોગેશ અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો રાખી ભાવીશાને આપઘાત કરાવવાના ઈરાદા સાથે અસહય ત્રાસ આપતા હોય તેના કારણે તેણીને તા.19/4/16 ના રોજ આપઘાત કરવાની ફરજ પાડેલ હતી. જે અનુસંધાને પોલીસે ઉપરોકત તમામ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરેલુ અને કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવેલો.
બચાવપક્ષના વકીલ ભગીરથસિંહ ડોડીયાએ આરોપી વતી રજુઆત કેરલી કે આ કેસમાં પુરાવો જોતા ગુજરનારને લગ્ન જીવનના 11 વર્ષમાં કોઈ સંતાન થયેલુ ન હતુંં જે અંગે રાજકોટ અને મોરબીના જુદા જુદા ડોકટરો આગળ દવાઓ લેવાનું પણ ચાલુ હતુ અને જે અનૈતિક સંબંધોની ફરીયાદપક્ષ દ્વારા વાત કરવામાં આવેલ છે તેના કોઈ કોસ પુરવાઓ ફરીયાદપક્ષ રેકર્ડ ઉપર લાવેલ નથી.
સમગ્ર પુરાવો ધ્યાને લેવામાં આવે તો ગુજરનારને મરી જવા માટે ઈરાદાપૂર્વક ત્રાસ આપવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી અને આઈ.પી.સી. કલમ 498 અને 306 ના કોઈ તત્વો ફલીત થતા નથી ઉપરોકત બચાવ પક્ષની દલીલો અને ચુકાદાઓ તથા ફરીયાદપક્ષના સાહેદોની જુબાની અને સમગ્ર દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ જોઈન્ટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશનસ જજ એમ.એમ.બાબી તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કામમાં બચાવપક્ષે એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંસુ પારેખ, જયવીર બારૈયા, વિજયસિંહ જાડેજા, મીલન જોષી, હીરેન ન્યાલચંદાણી રોકાયા હતાં.