ભગવતિપરામાંથી ગુમ થયેલો સગીર રાજસ્થાન માસીના ઘરે પહોંચ્યો : પોલીસ અને પરિવારે હાશકારો અનુભવ્યો

  • ભગવતિપરામાંથી ગુમ થયેલો સગીર રાજસ્થાન માસીના ઘરે પહોંચ્યો : પોલીસ અને પરિવારે હાશકારો અનુભવ્યો

રાજકોટ તા.12
શહેરના ભગવતીપરા મહાકાળીનગરમાં રહેતો અને માસૂમ વિદ્યાલયમાં ધોરણ-12માં અભ્યાસ કરતો પ્રણવ મંગળવારે સવારે ઘરેથી સાઇકલ લઇ સ્કૂલે જવા નીકળ્યા બાદ ત્યાં ન પહોંચતા અને સ્કૂલમાંથી તેના માતા ચંદનબેન સોલંકીને શિક્ષીકાએ ફોન કરી પ્રણવ શાળાએ આવ્યો નહિ હોવાની જાણ કરતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પ્રણવ રાજસ્થાનના અલવર ખાતે માસા-માસીના ઘરે પહોંચી ગયાના સમાચાર મળતાં પોલીસ અને પરિવારે હાશકારો અનુભવ્યો છે.
સગીર ગુમ થવાની ગંભીર ઘટનામાં બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા અને રાઇટર કેતનભાઇએ તાકીદે તપાસ શરૂ કરી હતી. દરમિયાન પ્રણવ રાજસ્થાનના અલવર ખાતે રહેતાં માસી-માસાને ફોન કરી તેની પાસે પહોંચી ગયાની જાણ થતાં રાજકોટથી પરિવારજનો તેને લેવા માટે રવાના થયા છે. પ્રણવે પોતે ટ્રેનમાં હોવાનું અને જયપુર પહોંચ્યાનું માસીને સાથે મુસાફરી કરતાં એક વ્યકિતના ફોનમાંથી ફોન કરીને કહેતાં માસી-માસાએ એ મુસાફરને પ્રણવ અલવર પહોંચે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું અને બાદમાં સ્ટેશને પહોંચી પ્રણવ અલવર પહોંચતા જ તેને પોતાના ઘરે લઇ જઇ રાજકોટ જાણ કરી હતી. શાળામાંથી પ્રણવની અનિયમીતતાનો ફોન તેના માતાને કરવામાં આવ્યો હોઇ ઠપકો મળશે એ ભયથી ભાગી ગયો હોય તેવી શંકા દર્શાવાઈ છે