ટોળા-હત્યાના ગુનેગારનું સન્માન કરનાર જયંત સિંહાએ અંતે માફી માગી

નવી દિલ્હી: કેન્દ્રના પ્રધાન જયંત સિન્હાએ ટોળા-હત્યાના ગુનેગારોનું સન્માન કર્યા પછી હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો દરજજો પાછી ખેંચી લેવાની કરેલી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કરેલી અરજીને રાહુલ ગાંધીએ ટેકો આપ્યો હતો. જોકે આ મામલે સિંહાએ બુધવારે માફી માગી હતી. બોસ્ટનની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સિન્હાએ અનુસ્નાતક ડિગ્રી લીધી હતી ત્યાંના માસ્ટર ઑફ પબ્લિક પોલિસીના વિદ્યાર્થીએ અરજી કરીને સિન્હાનું એલ્યુમનાઇ સ્ટેટસ ગુનેગારોનું સન્માન કરવા બદલ પાછું ખેંચી લેવાની અરજી કરી હતી.હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખને કરવામાં આવેલી અરજીમાં પ્રધાનના પગલાંને સખત શબ્દોમાં વખોડી કાઢીને જણાવાયું હતું કે તેમના આ કૃત્ય થી દેશ ધ્રૂજી ગયો છે અને પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાને બટ્ટો લાગ્યો છે. એક નિર્દોષને રહેંસી નાખનારા ગુનેગારોને હાર પહેરાવીને સન્માન કરનારા ઉચ્ચ શિક્ષિત સાંસદ અને કેન્દ્રના પ્રધાન જયંત સિન્હાની તસવીરો જોઈને ઘૃણા ઉપજે છે. રાહુલે ટ્વિટર પર સિન્હા સામેની અરજીમાં સહી કરવાનું લોકોને જણાવ્યું હતું. ગયા અઠવાડિયે લિન્ચિંગ કેસના ગુનેગારો જામીન પર છૂટયા પછી તેમને ઝારખંડ ખાતેના નિવાસે સિન્હાએ હાર પહેરાવ્યો તે પછી વિવાદનું કેન્દ્ર બન્યા હતા. સિન્હાએ દાવો કર્યો હતો કે તેઓ હિંસાના દરેક પ્રકારને વખોડી કાઢે છે અને ગુંડાગીરી અથવા દુશ્મનાવટને વખોડે છે. કોંગ્રેસની આગેવાની હેઠળ વિરોધી પક્ષોએ સિન્હા અને મોદી સરકાર પર ટીકાનો વરસાદ વરસાવ્યા હતા.
અને કહ્યું હતું કે તેમનું આ કૃત્ય કાવતરાખોરોને એક પ્રકારની બાયધરી આપે છે કે તેમને સરકારનો આડકતરો ટેકો છે.