વાહ ‘તાજ’ નહીં બિસ્માર કહો!

  • વાહ ‘તાજ’ નહીં બિસ્માર કહો!

દુનિયાની સાત અજાયબીઓમાં એક મનાતા તાજમહાલની જાળવણીને મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થયેલી છે. તાજમહાલની જાળવણી બરાબર થતી નથી તેથી તાજમહાલ તેની ભવ્યતા ગુમાવી રહ્યો છે એવો દાવો કરીને એમ.સી. મહેતા નામના સજ્જને અરજી કરી છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર ને ઉત્તર પ્રદેશ સરકાર બંનેને તાજમહાલની કાળજી લેવાનાં પગલાં લેવા ફરમાન કરે તેવી વિનંતી તેમણે આ અરજીમાં કરી છે. બુધવારે આ અરજી પર સુનાવણી હતી ને આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના જજ બરાબરના બગડ્યા. સુપ્રીમ કોર્ટે તાજમહાલની જાળવણી થાય તેવી કોઈ આશા જ નથી તેવી ટીકા કરીને કેન્દ્ર સરકારને બરાબર ઝાટક્યાં. સાથે સાથે એવી ચીમકી પણ આપી કે તમારાથી તાજમહાલ ના જળવાતો હોય તો અમે તાજમહાલને તાળાં મરાવી દઈએ કાં પછી તમે તેને જમીનદોસ્ત કરી નાખો કે જેથી કાયમ માટે કંકાસ જાય. સુપ્રીમ કોર્ટે તાજમહાલની આસપાસ ઊભા થઈ રહેલા ઉદ્યોગોને મામલે પણ જવાબ માગ્યો છે ને બીજી ઘણી કડવી વાતો કરી છે. આ બધી વાતોનો ઉલ્લેખ શક્ય નથી પણ આ વાતોના કારણે નિંભર સરકારી તંત્ર પર કોઈ અસર થશે એવી આશા રાખવા જેવી નથી. સુપ્રીમ કોર્ટે આ બધી વાતો વાંરવાર કહી છે પણ આપણું સરકારી તંત્ર એટલું નિંભર છે કે તેના પર તેની અસર જ થતી નથી. આપણે ત્યાં તાજ સહિતનાં ઐતિહાસિક સ્મારકોની જાળવણીનું કામ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) કરે છે. એએસઆઈનું તંત્ર સાવ સરકારી ઢબે ચાલે છે ને અંગ્રેજો જે હાલતમાં તેને છોડીને ગયેલા એ જ હાલતમાં હજુ પણ છે. તેની પાસે પૂરતા માણસો નથી, પૂરતું બજેટ નથી કે બીજી કોઈ સત્તા નથી. એએસઆઈ કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે એટલે તેમણે કશું પણ કરવું હોય તો ઉપરથી મંજૂરી લેવી પડે. સાંસ્કૃતિક મંત્રાલયમાં બેઠેલા રાજકારણીની દયા પર એ લોકો નભતા હોય છે એ સંજોગોમાં એ લોકો ધારે તો પણ કશું કરી શકે એમ નથી. એએસઆઈના માથે આખા દેશની પૌરાણિક અને ઐતિહાસિક ઈમારતોને જાળવવાની જવાબદારી છે. તેમાં તાજમહાલ, કુતુબમિનાર ને ચારમિનાર જેવી ઐતિહાસિક ઈમારતો તો આવી જ ગઈ પણ જૂનાં મંદિરો, ચર્ચ, મસ્જિદો, દરગાહો, કિલ્લા, વાવો, ગુફાઓ ને એ બધું આવી ગયું. ભારતભરમાં આવાં 3650 સ્થાનો છે. એએસઆઈને દેશભરમાં 27 સર્કલમાં વહેંચવામાં આવ્યું છે. દરેકમાં 100 કર્મચારીનો સ્ટાફ તો હોય જ નહીં પણ હોય તો પણ 2700 કર્મચારી થયા ને આ 2700 કર્મચારીઓના માથે 3650 ઈમારતોને જાળવવાની જવાબદારી છે. પહેલાં તો એ લોકો પહોંચી જ ના વળે ને પહોંચી વળે એમ હોય તો પણ તેમની માનસિકતા કામ નહીં કરવાની છે તેથી કશું થાય નહીં.
આ સિવાય બીજી મોટી સમસ્યા બજેટની છે. એએસઆઈનું આખા વર્ષનું બજેટ 975 કરોડ રૂપિયા છે. 2018-19ના બજેટમાં કરાયેલી આ જોગવાઈ છે. હવે 3650 ઈમારતો માટે 975 કરોડ રૂપિયા ખર્ચવા જાઓ તો એક ઈમારતદીઠ 26 લાખ રૂપિયા ભાગમાં આવે. આટલા રૂપિયામાં શું શકોરું થાય? આટલી રકમમાં તો તાજમહાલ કે લાલકિલ્લા જેવી ઈમારતોને વરસમાં એક વાર ક્લે મિનરલ પેસ્ટથી સાફ પણ ના કરી શકાય. ક્લે મિનરલ પેસ્ટથી પથ્થરો પર લાગેલી ગંદકી સાફ થાય છે ને પથ્થરો મૂળ જેવા લાગવા માંડે છે. ખરેખર તો દર વર્ષે એક વાર દરેક ઈમારતને આ પેસ્ટથી સાફ કરવી જોઈએ પણ પૈસા જ ના હોય તો એએસઆઈ પણ શું કરે ? કેન્દ્ર સરકાર જે બજેટ એએસઆઈને ફાળવે છે તેમાંથી મોટા ભાગની રકમ તો પગાર ને ઓફિસોના નિભાવ પાછળ જ વપરાઈ જાય છે. ઐતિહાસિક ઈમારતો માટે તો કશું બચતું જ નથી તેની પણ તકલીફ છે. આપણે ત્યાં સરકારી તંત્ર ગાળિયા કાઢવામાં ને એકબીજાને ટોપીઓ આપવામાં ઉસ્તાદ છે. સુપ્રીમ કોર્ટે સૌથી પહેલાં તો એ જવાબદારી નક્કી કરવી પડે ને ખરેખર તો તાજમહાલની જાળવણી માટે અલગ તંત્ર ઊભું કરવા આદેશ આપવો જોઈએ. અલગ તંત્ર ઊભું થશે તો જ તાજની યોગ્ય રીતે જાળવણી થશે, બાકી તો રામ રામ. તાજ માટે અલગ તંત્ર ઊભું કરવાનું અઘરું નથી ને વાસ્તવમાં તો યોગ્ય તંત્ર ઊભું કરાય તો તાજમહાલ આપણા માટે દૂઝણી ગાય સાબિત થાય એમ છે. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણી વખતે કહેલું કે, આપણો તાજમહાલ પેરિસના એફિલ ટાવર કરતાં વધારે ભવ્ય છે ને લાજવાબ છે છતાં દર વર્ષે એફિલ ટાવરને જોવા વરસે 8 કરોડ લોકો આવે છે ને તાજને જોવા માંડ દસ લાખ લોકો આવે છે. આ ફરક બહુ મોટો કહેવાય ને તેનું કારણ એ જ છે કે આપણામાં વેતો નથી. તાજમહાલ જેવી લાજવાબ ઈમારતને જાળવવાનું ને તેનું માર્કેટિંગ કરવાનું શહૂર આપણામાં નથી. આપણે તાજમહાલને ઉકરડો બનાવીને મૂકી દીધો છે. સામે એફિલ ટાવર જેવાં સ્થળોએ એટલી સ્વચ્છતા રખાય છે કે લોકોને ત્યાં બેસી રહેવામાં જ માનસિક શાંતિનો અનુભવ થાય. આપણે એફિલ ટાવર કે પિરામિડની જેમ તાજને ના સાચવી શકીએ તો કંઈ નહીં પણ કમ સે કમ આપણે ત્યાં જ નજર નાખીએ તો પણ રસ્તો મળે. રાજસ્થાનમાં જૂના રાજાઓ પોતાના જૂના મહેલો અને કિલ્લાઓને સાચવીને તેમાંથી દર વરસે કરોડોની નોટો છાપે છે. એ બધા મહેલ કે કિલ્લા તાજમહાલ આગળ પાણી ભરે પણ સવાલ જતનનો છે. મહેલોમાં સરસ મજાનાં મ્યુઝિયમ ઊભાં કરીને કે પછી કિલ્લામાં લેસર શો જેવાં આકર્ષણો ઊભાં કરીને એ લોકો પ્રવાસીઓને આકર્ષે છે. તાજ તરફ લોકો આકર્ષાય એ માટે આ બધું કરવું પડે પણ હાલના સરકારી તંત્ર કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાથી એ થઈ શકવાનું નથી એ જોતાં તેના માટે અલગ તંત્ર ઊભું કરવું એ જ સરળ ઉપાય છે.