CBI માં ગુજરાતની રાજકીય હસ્તીઓનાં કાળાધોળાની ઢગલાબંધ ફરિયાદ

  • CBI માં ગુજરાતની રાજકીય હસ્તીઓનાં કાળાધોળાની ઢગલાબંધ ફરિયાદ

ગાંધીનગર,તા.12
રાજયના પૂર્વ ધારાસભ્ય, સાંસદ સહિત રાજકીય હસ્તીઓએ આચરેલા ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદોનો ઢગલો સીબીઆઇ કચેરીમાં થયો છે. અરજદારો દ્વારા કરવામાં આવતી ફરિયાદોનો નિકાલ નહી કરવામાં આવતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવતા રાજકીય અને અધિકારી આમલમાં ફફટાડ ફેલાઇ જવા પામ્યો છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ)ની ગુજરાત સ્થિત ઓફિસમાં પૂર્વ સાંસદો અને ધારાસભ્યોની સંખ્યાબંધ નજીવી તેમજ રમૂજી ફરિયાદોનો પ્રવાહ નિયમિતપણે આવતો રહે છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, પંચાયતી રાજની સંસ્થાઓ કે સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની આશંકાઓ તેમજ ત્યાંના સરકારી અધિકારીઓની બઢતી પર સવાલો ઉઠાવી તેની સીબીઆઈ તપાસની માગણી આ નેતાઓ કરતા રહે છે. આ ફરિયાદીઓ પૈકી વધુ પ્રમાણ પૂર્વ ધારાસભ્યોનું છે. આરટીઆઈ કે સમાચાર માધ્યમો થકી મળેલી માહિતના આધારે તારણો મેળવી તેની તપાસ સીબીઆઈ કરે તેવી માગણી તેઓ કરતા રહે છે.
એક પૂર્વ ધારસભ્યએ તાજેતરમાં ફરિયાદ કરી છે કે એક મોટી સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ભરતી-બઢતીમાં ભ્રષ્ટાચાર થયો છે, જેની તપાસ સીબીઆઈએ કરવી જોઈએ. તો અન્ય એક પૂર્વ ધારાસભ્યએ એવી ફરિયાદ કરી છે કે તેમના ગામમાં ગટર અને રસ્તા માટેના બજેટમાં સરપંચે ભ્રષ્ટાચાર કર્યો છે, જેની તપાસ કરવામાં આવે. જો કે ભ્રષ્ટાચારની મોટાભાગની ફરિયાદો નાના પાયાની હોય છે અથવા આશંકામાત્ર હોય છે.
તો બીજી તરફ પાલિકાઓ કે સરકારી વિભાગોના નેતાઓ અને અધિકારીઓને ટાર્ગેટ કરીને પણ ફરિયાદો કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના આદેશ તેમજ રાજ્ય સરકારની અરજી બાદ કેસ સીબીઆઈને સોંપવામાં આવે છે, છતાં પણ કાયદાની પ્રક્રિયાથી જાણકાર પૂર્વ નેતાઓ આ પ્રકારની ફરિયાદો કરતા રહે છે.
સીબીઆઈ કચેરી સ્થિત એક સૂત્રનંર કહેવું છે કે અમારું કામ પોલીસ કે એસીબી જેવી કોઈ વિજીલન્સ એજન્સીનું નથી. અમને જે કેસની તપાસ સોંપવામાં આવે તે મુજબ કામ કરવાનું હોય છે છતાં પણ આ બાબતથી જાણકાર હોય તેવા નેતાઓ આવી ફરિયાદો મોકલી તપાસની માગણી કરતા રહે છે. આમ પણ આ નેતાઓની ફરિયાદો જોઈને એવું અનુમાન કરી શકાય કે હવે તેમની પાસે પોતાના રાજકીય હેતુઓ સિ- કરવા માટે આરટીઆઈ દ્વારા જવાબ માગવા અને કોર્ટમાં જાહેર હિતની અરજીઓ કરવા સિવાય કોઈ કામ બચ્યું નહીં હોય.
રાજકીય રીતે નિવૃત્ત નેતાઓની ફરિયાદ ઉપરાંત ચિત્ર-વિચિત્ર ફરિયાદો પણ આ કચેરીને મળતી રહે છે. તાજેતરમાં એક વ્યક્તિએ એવી ફરિયાદ કરી હતી કે તેના પાડોશીએ ઘરમાં એવું યંત્ર ગોઠવ્યું છે કે જેની મદદથી પાડોશી ફરિયાદીના વિચારોનું નિયંત્રણ કરી રહ્યો છે. આ ભેદી પ્રવૃત્તિની તપાસ માટે સીબીઆઈને અરજી કરવામાં
આવી હતી.