ઈ-વે બિલના પાર્ટ-બીમાં ટ્રાન્સપોર્ટસે કરેલી ભૂલની સજા વેપારીને કરતા બાબુઓ

  • ઈ-વે બિલના પાર્ટ-બીમાં ટ્રાન્સપોર્ટસે  કરેલી ભૂલની સજા વેપારીને કરતા બાબુઓ

રાજકોટ તા.12
ઈ-વે બિલમાં ભૂલ જણાય પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ છે. વેપારીઓ દ્વારા કે પછી મેન્યુફેક્ચરર્સ દ્વારા માલની હેરફેર માટે ટ્રાન્સપોર્ટર્સની સેવાઓ દરમિયાન ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓ દ્વારા ઇ-વે બિલની પ્રક્રિયામાં પાર્ટ - બીમાં વાહન નંબર સહિતની ઘણી વિગતો બરાબર ભરવામાં ન આવતી હોવાથી ટ્રાન્સપોર્ટર્સને વાંકે વેપારીઓ દડાઈ રહ્યા છે.
ઈ-વે બિલ લેવા માટેની ઓનલાઈન અરજી કરતી વેળાએ પાર્ટ -એમાં વેચનાર પાર્ટીએ તેનો જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન નંબર, માલનું વર્ણન, માલ કયા શહેરમાં મોકલવાનો છે તેના સહિતની તમામ વિગતો ભરવાની હોય છે. તેની સામે પાર્ટ બીમાં ટ્રાન્સપોર્ટર્સે તેમની ઓળખ આપતી વિગતો, વાહન નંબર વગેરે નાખવાનો છે કે નહિ તે સ્પષ્ટતા કરવાની રહેશે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટની કલમ 138માં કરવામાં આવેલી જોગવાઈમાં જણાવવામાં આવ્યું છે કે પાર્ટ એની માફક પાર્ટ બીમાં તમામ માહિતી સાચી રીતે ભરવામાં આવી ન હોય તો તે માટેની જવાબદારી ટ્રાન્સપોર્ટર્સની બને છે. કાયદામાં આ જોગવાઈ હોવા છતાં ટ્રાન્સપોર્ટર્સની ભૂલ માટે વેપારીઓને દંડવામાં આવી રહ્યા છે. જીએસટીની ફ્લાઇંગ સ્ક્વોડે છેલ્લા સાડા ત્રણ મહિનામાં 1800થી વધુ વાહનો રોકીને કરોડો રૃપિયાની જીએસટીની વસૂલી કરી છે. જીએસટીની જવાબદારી ઉપરાંત સો ટકા સુધીનો દંડ પણ વેપારીઓએ જ ભોગવવો પડી રહ્યો છે. આ દંડ ન ભરે તો વેપારીઓનો માલ છૂટી શકતો નથી. બીજું, આ રીતે કરવામાં આવેલા ઓનલાઈન દંડ સામે વેપારીઓ અપીલમાં ન જાય તો તેમને જીએસટી એક્ટની કલમ 129માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પરત મળતી નથી. પરિણામે વેપારીએ ફરજિયાત અપીલમાં જવું પડી રહ્યું છે. આ અપીલમાં કેસ ન જીતે તો વેપારીને માટે ખાતર ઉપર દિવેલ રેડવા જેવુ માનવામાં આવે છે.