નેવી વોર રૂમ લીક કાંડમાં નિવૃત્ત કેપ્ટનને 7 વર્ષની કેદ

નવીદિલ્હી તા.12
અહીંની એક અદાલતે 2006ના નેવી વોર રૂમ લીક કેસમાં નિવૃત્ત કેપ્ટન સલામસિંહ રાઠોડને 7 વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.અદાલતે ચુકાદામાં જણાવ્યું હતું કે નિવૃત્ત કેપ્ટન સલામસિંહ રાઠોડે રાષ્ટ્રીય સલામતીની સામે ગુનો આચર્યો હોવાથી તેમને કોઇ રાહત મળવી ન જોઇએ.સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના ખાસ ન્યાયાધીશ એસ. કે. અગરવાલે રાઠોડને જાસૂસી કરવા બદલ સત્તાવાર ગુપ્તતા ધારા હેઠળ સાત વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે રાઠોડ પાસેથી મળેલા દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયના હતા અને તે દુશ્મનોને આપવાથી તેઓને સીધી કે અપ્રત્યક્ષ રીતે લાભ થઇ શકે એમ હતો.
ન્યાયાધીશે જણાવ્યું હતું કે ગુનેગારે માત્ર સમાજ સામે જ નહિ, પરંતુ દેશની સલામતી સામે પણ ગુનો આચર્યો હતો. ગુનેગારની પાસેથી મળેલા દસ્તાવેજો દેશના સંરક્ષણ વિભાગના હતા અને તે મળવાથી શત્રુઓ કે અન્યને સીધી કે આડકતરી રીતે લાભ થઇ શકે એમ હતો. આ ગુનેગારને સજામાં રાહત આપવાની જરૂર નથી.
સંરક્ષણ વિભાગના અધિકારી તરીકે તેની સૌપ્રથમ ફરજ દેશની એકતા, અખંડતા અને સલામતીનું ધ્યાન રાખવાની ગણાય, પરંતુ તેણે તેની વિરુદ્ધ કામગીરી બજાવી હતી. ન્યાયાધીશે જણાવ્યું હતું કે આ ગુનેગારને સજા કરવાથી અન્ય કોઇ આવો ગુનો આચરતા ડરે એવું દૃષ્ટાંત બેસવું જોઇએ.