બોગસ ડોમીસાઈલ: કલેકટરના તપાસના આદેશ

  • બોગસ ડોમીસાઈલ: કલેકટરના તપાસના આદેશ

રાજકોટ : મેડિકલ અને પેરામેડિકલમાં બોગસ ડોમીસાઈલ સર્ટિફિકેટના આધારે થયેલી જાહેરહિતની અરજી બાદ રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ રાજકોટ શહેર-જિલ્લામાં નિકળેલા ડોમીસાઈલ સર્ટિફિકેટની તપાસ કરવા ચાર સભ્યોની કમિટીની રચના કરી એક સપ્તાહમાં રિપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે.
સતાવાર સુત્રોના જણાવ્યાનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં કાઢવામાં આવેલ ડોમીસાઈલ સર્ટિફિકેટની ચકાસણી માટે રાજકોટ કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ રાજકોટ શહેર પ્રાંત-2 કચેરીના પ્રાંત અધિકારી પી.આર.જાનીના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરી છે.
કમિટીમાં ડે.કલેકટર ઉપરાંત સભ્ય તરીકે ચીટનીસ, મેડિકલ અને પેરા મેડિકલ એડમિશન કમિટીના સભ્ય સહિત ચાર સભ્યોની ટીમ દ્વારા અત્યાર સુધીમાં કાઢવામા આવેલ ડોમીસાઈલ સર્ટીફિકેટની ચકાસણી કરશે. સરકારી કચેરી દ્વારા કાઢવામાં આવેલ સર્ટિના આધાર-પુરાવાની ચકાસણી કરશે.
મેડીકલ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ડોમિસાઈલ સર્ટિફિકેટની આવશ્યતા છે. એક દાયકામાં ગુજરાતમાં વસવાટ કરનાર વ્યક્તિને સરકારીતંત્ર દ્વારા આ સર્ટીફિકેટ આપવામાં આવે છે. તાજેતરમાં મેડિકલ અને પેરા મેડિકલમાં પ્રવેશમાં બોગસ ડોમીસાઈલ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવી લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી છે.
સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ રાજ્યમાં 286 જેટલા વિદ્યાર્થીઓએ બોગસ ડોમીસાઈલ સર્ટિફિકેટથી મેડીકલમાં પ્રવેશ લઈ લીધો છે તેના કારણે મુળ ગુજરાતી વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ મળતો નથી. મેડીકલ ફેકલ્ટીમાં પ્રવેશ માટે 85 ટકા રાજ્યનો કવોટા અને 15 ટકા નેશનલનો કવોટા મંજૂર કરવામાં આવ્યો છે. તેમાં કેટલાક વિદ્યાર્થીઓએ બોગસ ડોમીસાઈલ સર્ટિફિકેટ કાઢી લીધાની ફરિયાદ બાદ નેશનલ મેડીકલ કાઉન્સીલ આ મામલે ગુજરાત મેડિકલ કમિટીને તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
ગુજરાત મેડીકલ કમિટીના તપાસના પગલે રાજકોટ સહિત રાજ્યભરના તમામ જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા કમિટીની રચના કરી તાત્કાલીક અસરથી ડોમીસાઈટ સર્ટિફિકેટનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. તે અંતર્ગત રાજકોટ કલેકટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા કમિટીની રચના કરી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.