રાજકોટથી સરધાર જતા કારચાલકને ફાકીમાં કેફી દ્રવ્ય ખવડાવી બેભાન કરી રોકડ, દાગીનાની લૂંટ

  • રાજકોટથી સરધાર જતા કારચાલકને ફાકીમાં કેફી  દ્રવ્ય ખવડાવી બેભાન કરી રોકડ, દાગીનાની લૂંટ

રાજકોટ તા.12
રાજકોટ શહેરમાં વિવિધ ગુનાઓને અંજામ આપી ગુનેગારો કાયદાની ઐસીતૈસી કરી રહ્યા છે ત્યારે વાંકાનેરના ઘીયાવાડ ગામનો અને ઈકોમા ફેરા કરતો ભરવાડ યુવાન ગ્રીનલેન્ડ ચોકડીથી સરધાર બે મુસાફરોને બેસાડી રવાના થયા બાદ બંને શખ્સોએ ફાકીમાં કેફી દ્રવ્ય નાખી ખવડાવી બેભાન કરી કડુ, મોબાઈલ અને રોકડા 4500 સહીત 31,500ની મતા લૂંટી નાસી ગયા હતા એક કલાક બાદ બેભાનમાં આવેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બેલડીની શોધખોળ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઘીયાવાડ ગામે રહેતો અને ઇકો ગાડીના છૂટક ભાડા કરતો રાહુલ અરજણભાઈ ખોળા નામના 19 વર્ષીય ભરવાડ યુવાને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સવારે તે નિત્યક્રમ મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે હતો ત્યારે અંદાજે 25 વર્ષના બે યુવકો આવ્યા હતા અને સરધાર જવા માટે ઇકો ગાડી ભાડે બાંધી હતી જેથી બંનેને બેસાડી રાહુલ કુવાડવા તરફથી સરધાર જવા માટે રવાના થયો હતો મુસાફર તરીકે બેઠેલા બંને શખ્સોએ ફાકીની સલાહ કરતા રાહુલે ફાકી ખાધી હતી ત્યાર બાદ કુવાડવાથી સરધાર બાજુ રોડ ઉપર ચક્કર આવવા લાગતા પોતે ગાડી ઉભી રાખી દીધી હતી અને પોતે બેભાન થઇ ગયો હતો ત્યાર બાદ બંને શખ્સો હાથમાં પહેરેલું 20 હજારનું ચાંદીનું કડુ, એક મોબાઈલ અને 4500 રૂપિયા રોકડા સહીત 31,500 રૂપિયાનો મુદામાલ ચોરી કરી નાસી ગયા હતા.
બંને શખ્સો ફાકીમાં કેફી દ્રવ્ય ભેળવી ખવડાવી બેભાન કરી લૂંટી લીધો હોય એક કલાક બાદ બેભાનમાં આવતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશને આવ્યો હતો અને ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વી પી આહીર સહિતના સ્ટાફે ચોરી કરી નાસી છૂટેલ બેલડીને ઝડપી પાડવા સીસીટીવી ફુટેજને આધારે તપાસ હાથ ધરી છે.