બુલેટ ટ્રેન માટે જમીનનાં 25 ટકા વધુ ભાવ અપાશે

ગાંધીનગર તા.12
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કાર્ય પૂરું કરવા ગુજરાત સરકાર પાસે નવેમ્બર 2018 સુધીનો સમય છે. ત્યારે બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહેલા ખેડૂતોને શાંત પાડવા માટે સરકારે 25 ટકા વધુ વળતર આપવાનો નિર્ણય કર્યો છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે, આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. કુલ 508 કિલોમીટરનો પ્રોજેક્ટ ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થશે. 196 ગામડાંઓમાંથી કુલ 676 હેક્ટર જમીનનું સંપાદન થશે.
મહેસૂલ મંત્રીએ વધુમાં કહ્યું કે, નિયમો પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને બજાર કિંમતના 4 ગણા ભાવ અને શહેરી વિસ્તારના ખેડૂતોને બજાર કિંમતના બે ગણા વધારે ભાવ મળશે. સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે જો ખેડૂતો આ ઓર્ડરને કોર્ટમાં નહીં પડકારે તો સરકાર તેમને તેમની જમીનની કિંમત કરતા 25 ટકા વધારે રૂપિયા આપશે.
196 ગામડાઓના ખેડૂતોમાંથી નવસારી જિલ્લાના 21 ગામના ખેડૂતો જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને જમીનનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો. ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા અહમદ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર
(અનુસંધાન પાના નં.10)
લખીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ચાલી રહેલી રહેલી જમીન સંપાદનની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અહમદ પટેલે આરોપ લગાવ્યો હતો કે, આ કામગીરીમાં જમીન સંપાદન એક્ટ, 2013નો ભંગ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, કોંગ્રસની ઞઙઅ સરકાર દ્વારા એક્ટ બનાવાયો હતો.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે મહત્વના આ પ્રોજેક્ટનું પ્રગતિ (પ્રો-એક્ટિવ ગર્વનન્સ એંડ ટાઈમલી ઈમ્પિલિમેન્ટેશન) પ્રોગ્રામ હેઠળ દર મહિને નિરીક્ષણ કરે છે. છેલ્લા બે મહિનાના નિરીક્ષણને અંતે તેમણે જમીન સંપાદનનું કાર્ય ધીમીગતિએ ચાલતું હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ પોતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ જે.એન. સિંહને જમીન સંપાદનની કામગીરી નવેમ્બર 2018 સુધીમાં પૂરી થઈ જાય તે જોવાની સૂચના આપી છે.