મેઘરાજાને મનાવવા શાસ્ત્રી મેદાનમાં પરજન્ય યજ્ઞ

  • મેઘરાજાને મનાવવા શાસ્ત્રી મેદાનમાં પરજન્ય યજ્ઞ


 ચાર દંપતિઓના યજમાન પદે પંડિતોના શ્ર્લોકગાનથી શાસ્ત્રીમેદાન ગુંજયુ
રાજકોટ, તા. 12
બસ સ્ટેશનનો ટ્રાફિક, જાદુગર-સર્કસની ચહલપહલ તથા સતત ટ્રાફિકથી ધમધમતા શાસ્ત્રી મેદાનમાં આજે સવારે સંસ્કૃત શ્ર્લોકો ગુંજી ઉઠયા હતાં. યજમાનનાં ‘સ્વાહા...સ્વાહા...’ ઉચ્ચારણોથી વાતાવરણ પવિત્ર થયુ હતુ. ટાણુ હતુ મેઘરાજાને મનાવવાનું! છેલ્લા ચાર વર્ષથી મેઘકૃપા માટે યોજાતો ‘વૃષ્ટિયજ્ઞ’ આજે સવારથી શાસ્ત્રી મેદાનમાં શરૂ થયો છે. વરૂણદેવની કૃપા સાથોસાથ પર્યાવરણ સુદ્ધી પણ આ યજ્ઞનો મુખ્ય હેતુ છે.
યજ્ઞનું આયોજન કરનાર અમૃતલાલ પોપટલાલ પરમારે ગુજરાત મિરરને કહ્યુ કે છેલ્લા ચાર વર્ષથી શહેરમાં વિવિધ સ્થળે આ યજ્ઞનું આયોજન કરીએ છીએ. યજ્ઞમાં યજમાન પદે અમારા પરિવારનાં જ ચાર દંપતિઓ બિરાજયા છે પરંતુ યજ્ઞનો લાભ હરકોઈ લઈ શકે છે.
તેઓએ વધુમાં કહ્યું કે આજથી શરૂ થયેલો ‘વૃષ્ટિ યજ્ઞ’ (જેને પરજન્ય યજ્ઞ પણ કહેવામાં આવે છે) તે આઠ દિવસ સુધી ચાલશે. દરરોજ બે સત્રમાં યજ્ઞમાં આહુતિઓ આપી મેઘરાજાને રિઝવવા
કાલાવાલા થશે. તા.19-7 ના રોજ સવારે પ્રથમ ત્રણ પૂર્ણ થયા બાદ યજ્ઞની પૂર્ણાહુતી થશે.
આર્ય સમાજનાં પંડિતો કેશવદેવ આર્ય, કાશીરામ આર્ય, રાધેશ્યામ આર્ય શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞની વિધિ કરાવી રહ્યા છે.