ધારાસભ્યો-સાંસદોનું માન-સન્માન જાળવવા અધિકારીઓને તાકીદ

  • ધારાસભ્યો-સાંસદોનું માન-સન્માન જાળવવા અધિકારીઓને તાકીદ


ગાંધીનગર,તા.12
ગુજરાતમાં અધિકારીઓ દ્વારા
ધારાસભ્યોનું માન-સન્માન જળવાતું નહીં હોવાની અને કામો નહીં જતા હોવાની વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યોએ કરેલી ફરિયાદ બાદ ગઇકાલે મળેલી કેબીનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધારાસભ્યો અને સંસદ સભ્યોનું માન-સન્માન જળવાય તેની પુરતી તકેદારી રાખવા અધિકારીઓને સ્પષ્ટ સુચના આપી હતી.
ભાજપના વડોદરાના ત્રણ
ધારાસભ્યો યોગેશ પટેલ, કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવે સરકાર સામે બળાપો કાઢીને એવું કહ્યું હતું કે અમારી સરકારમાં અમારા કામો થતાં નથી. ત્રણ ધારાસભ્યોનો આંતરિક અસંતોષ જોતાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ ધારાસભ્યોને મળવા માટે બોલાવ્યા હતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. ભાજપના આ ત્રણ ધારાસભ્યો જ્યારે નારાજ થયા ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇઝરાયલના પ્રવાસે હતા. બે મંત્રીઓએ ધારાસભ્યોને ટેકલ કરીને તેમના પ્રશ્નો અંગે ધટતું કરવા જણાવ્યું હતું. બુધવારે યોજાયેલી કેબિનેટની ઈનફોર્મલ બેઠકમાં એવું જાણવા મળ્યું છે કે રાજ્યના મુખસચિવ ડો. જે. એન. સિંઘે વિભાગોના ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે કે ધારાસભ્યો કે સંસદસભ્યો કામ લઈને આવે ત્યારે તેમને પૂરતા સાંભળીને તેમના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવો.
તેમણે અધિકારીઓને ધર્ષણમાં ન ઉતરવાની પણ સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યના બે સિનિયર અધિકારીઓ સામે આ ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી. ચીફ સેક્રેટરીએ આ બે અધિકારીઓ ઉપરાંત કેબિનેટમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને તાકીદ કરી છે કે ધારાસભ્યો કામ લઇને આવે ત્યારે તેમનું માન જાળવવાનું રહેશે.