જૂનાગઢનાં ખાતેદારે જમીન પ્રશ્ર્ને કરેલી અરજીઓ તંત્ર માટે બની પાંચ કિલો પસ્તી!

નિકાલ લાવવા રજૂઆતોથી થાકી હારી વૃધ્ધ ખાતેદારે અંતે ઘરે જ શરૂ કર્યા ઉપવાસ!
જૂનાગઢ તા,25
અગાઉ એક સમયે જયારે એકાદ અરજી ફરિયાદ સ્વરૂપે મળે તેના નિકાલ કરવાની એટલે કે ઘટના સ્થળે તપાસ કરી પડયે અરજીના આધારે તપાસ કરી તેના ઉપલા અધિકારીને વિદેત કરી તે અરજીનો નિકાલ અઠવાડીયે કે મા મહિને થતો હતો. પરંતુ હવે તો આવી અરજીના થપ્પાઓ સરકારી કચેરીમાં નિકાલની રાહ જોતા પડયા હોય છે. પરંતુ સાથે સાથે એક ગામ કે એક એક વ્યક્તિ દ્વારા કરાતી અરજીઓ એટલી બધી વધી પડે છે કે તેનો ઉકેલ કે કાઢયો તે પ્રશ્ર્નનો કોઈ જવાબ તો નથી, પરંતુ વર્તમાનપત્રમાં આવતા પ્રજાના પ્રશ્ર્નો બાબતે પણ દરકાર કે ધ્યાન વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતુ નથી. તેનો એક કિસ્સો જુનાગઢના જોષીપરા ગામનો છે.
જોષીપરાના કચરાભાઈ ભુવાની ભૈસાણ તાલુકાના ખંભાળીયા ગામની જમીનમાં જવા માટેનો રસ્તો તેમના ભાઈના દિકરા અને તેમની પત્નીએ અપરોધ ઉભો કરીને બંધ કરી દીધો અને આ રસ્તો ટ્રેકટરથી ખોદી નાખ્યો તે બાબતે છેલ્લા કેટલાય દિવસથી વિવિધ ખાતાઓના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા એસટીના નિવૃત કર્મચારી અને ખેડૂત પોતાના ઘરમાંજ ગત સોમવારથી ઉપવાસ ઉપર ઉતરી ગયા હોવાનું જૂનાગઢ કલેકટરને લેખલા પત્રમાં જણાવાયુંછે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અવારનવાર કરવામાં આવેલ લેખિત ફરિયાદોની કોપી અને આવકજાવક ટપાલોનો વજન 5 કિલો જેટલો થાય છે. સરકારી તંત્રમાં એટલી હદે ભ્રષ્ટાચાર અને ઉદાસીનતા છવાયેલી છે કે, જીવન નિર્વાહના પ્રશ્ર્નો તરફ કોઈ ધ્યાન આપતું નથી. આ ફરિયાદોનો સીટીઝન ચાર્ટ મુજબ નિકાલ કરેલ નથી. સિનિયર સિટિઝનોને પરેશાન કરવામાં આવી રહયા છે. ત્યારે આ બાબતે તાત્કાલીક ધોરણે યોગ્ય કરવાની માંગણી કરી પત્રનાં અંતમાં જણાવ્યું છે કે, આવો જ સમય હશે તો આવતા દિવસો કેટલા ખરાબ હશે તેની કલ્પના પણ ધ્રુજાવી મુકે તેવી છે.