250 આતંકવાદીઓ ઘૂસપેઠ માટે અને ભારતીય લશ્કર ઠાર મારવા માટે તૈયાર !

  • 250 આતંકવાદીઓ ઘૂસપેઠ માટે અને  ભારતીય લશ્કર ઠાર મારવા માટે તૈયાર !

ઓપરેશન ઓલઆઉટ પાર્ટ-2ની ભીતરમાં... અંકૂશ રેખાથી ઘૂસણખોરી માટે લોન્ચ પેડ પર આતંકીઓ ટાંપીને બેઠા છે : આર્મીનો ઘટસ્ફોટ
શ્રીનગર તા,25
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ પાર્ટ-2 શરૂ કરી દેવાયું છે ત્યારે આર્મીના અધિકારીએ ચોંકાવનારૂ નિવેદન કર્યું છે કે 250થી વધુ આતંકીઓ અંકુશ રેખાએથી ઘૂસણખોરી માટે તૈયાર છે !
કાશ્મીરમાં સ્થિતિ જોકે અગાઉ કરતાં સારી હોવાનો ખૂલાસો પણ આ સાથે જ કરાયો છે. જમ્મુ-કાશ્મીરમાં હાલ અંકુશ રેખાએથી 250થી વધુ આતંકવાદીઓ દેશની સરહદમાં ઘૂસણખોરી કરવા માટે લોન્ચ પેડ પર તૈયાર હોવાનું શ્રીનગર સ્થિત 15 કોર્પ્સના લેફ્ટનન્ટ જનરલ એ કે ભટ્ટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઉત્તર કાશ્મીરમાં દક્ષિણ કાશ્મીરના મુકાબલે ઘણા ઓછા આતંકીઓ છે. સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ પાર્ટ-2 શરૂ કરી દીધું છે.
રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયા પછી સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીરના ચાર આતંકીઓને ઠાર કરી દીધા હતા. જમ્મુ-કાશ્મીરમાં 28 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા અગાઉ સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવી રહી છે.
લેફ્ટનન્ટ જનરલે કહ્યું હતું કે પાકિસ્તાનના લોન્ચિંગ પેડથી લગભગ 200 આતંકીઓ ઘૂસણખોરી કરવાની કોશિશમાં છે. ભટ્ટે કહ્યું હતું કે પાકિસ્તાન સોશિયલ મીડિયા દ્વારા જમ્મુ-કાશ્મીરમાં દુષ્પ્રચારની કોશિશ કરે છે.
જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકીઓનું હિટ લિસ્ટ તૈયાર કરાયું છે. સેનાએ તેમાં ટોપ-21ની યાદી જારી કરી છે. સેનાના મતે આ 21 આતંકીઓનો ખાતમો કરી દેવાય તો જમ્મુ-કાશ્મીરમાં આતંકની કમર તૂટી જશે. તેમાં 11 આતંકી હિઝબુલ મુજાહિદ્દીનના છે, સાત લશ્કર એ તોઈબા, બે જૈશ એ મોહમ્મદ અને એક આતંકી અંસાર ગાજવત ઉલ હિંદનો છે.