પીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન

  • પીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન
  • પીજીવીસીએલના ATPનો કાયમી સંકેલો, ગ્રાહકો હેરાન

1પ દિવસથી શહેરમાં ચારેય ‘એની ટાઇમ પેમેન્ટ’ની સુવિધા ઠપ્પ: કેશબારી ઉપર લાગતી લાઇનો વીજબિલ ભરવા માટે વીજ કંપનીએ ખાનગી કંપનીને આપેલ કરોડો રૂપિયાનો કોન્ટ્રાકટ પાણીમાં: કોન્ટ્રાકટ પૂરો થઇ જતા સુવિધા બંધ કરાયાનો તંત્રનો દાવો રાજકોટ તા.ર3
પીજીવીસીએલના વીજ ગ્રાહકો માટે રાજકોટ શહેરમાં શરૂ કરવામાં આવેલી ‘એનીટાઇમ પેમેન્ટ’ (એટીપી) સુવિધાનું ફીંડલું વાળી દેવામાં આવ્યું છે. જો કે કંપનીના સતાવાળાઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાત બહારની કંપનીને આપવામાં આવેલો કોન્ટ્રાકટ પુરો થઇ જતા આ સુવિધા હાલ પુરતી બંધ કરવામાં આવી છે.
પીજીવીસીએલના વર્તુળ પાસેથી જાણવા મળતી વિગત મુજબ છેલ્લા 1પ દિવસથી શહેરના ચાર જગ્યાએ ઉભી કરવામાં આવેલી એનીટાઇમ પેમેન્ટ સુવિધા બંધ થઇ જતા ગ્રાહકોમાં દેકારો બોલી ગયો છે. એટલું જ નહીં ગ્રાહકોને કચેરીના નાહકના ધક્કા પણ થઇ રહ્યા છે.
વીજબીલ ભરવા ગ્રાહકોને આસાની થાય તે માટે શહેરમાં ઉદ્યોગનગર, મહિલા કોલેજ, પ્રહલાદ પ્લોટ અને લક્ષ્મીનગર સહિત ચાર જગ્યાએ એટીપી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ચારેય એટીપીમાં રોજના એકાદ હજારથી વધુ ગ્રાહકો વીજબીલના નાણાં ભરવા આવે છે. કયારેક એક એટીપીમાં સરેરાશ અઢીસોથી ત્રણસો ગ્રાહકો પૈસા ભરે છે. કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ આપી પીજીવીસીએલ દ્વારા ગુજરાત બહારની કંપનીને આ કામ સોપવામાં આવ્યું છે. શહેરને ચારેચાર એટીપીમાં અત્યારે અલીગઢી તાળા લાગી ગયા છે.
વીજ બીલ ભરવા આવતા લોકોને ચેકથી અને રોકડેથી પૈસા ભરવામાં દિક્કત અનુભવી પડે છે.
પીજીવીસીએલના સૂત્રોએ એવું જણાવ્યું હતું કે કંપની સાથેનો કરાર પુરો થઇ જતા આ સેવા થોડા દિવસ માટે બંધ કરવામાં આવી છે. જો કે આગામી સપ્તાહે કંપની સાથેનો કરાર રીન્યુ કરવામાં આવશે એટલે ફરી પાછી સુવિધા શરૂ કરી દેવામાં આવશે. ઓનલાઇન બિલમાં પણ ધાંધિયા પીજીવીસીએલ દ્વારા વીજબીલ ભરવા માટે ગ્રાહકો માટે ઓનલાઇન સીસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. આ સીસ્ટમના ઇએસએસ આપવામાં આવ્યું છે. જેના માટે ગ્રાહકોએ પીજીવીસીએલનું એક ફોર્મ ભરવાનું અને એક કેન્સલ ચેક આપવાનો થાય છે. ત્યારબાદ ફોર્મ જે તે સબ ડીવીઝનમાં જમા કર્યા બાદ ઓટોમેટીક દર બીલે તેની એમાઉન્ટ બેંક ખાતામાંથી કપાઇ જાય છે પરંતુ આ સુવિધામાં પણ ધાંધીયા સર્જાયા છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કોઇ ગ્રાહકને દાખલા તરીકે 707.70 રૂપિયાનું વીજ બીલ આવ્યું હોય તો ઓટોમેટીક સીસ્ટમમાં જે તે ગ્રાહક પાસેથી 7 હજારનું બીલ વસુલાય જાય છે આમ આ સીસ્ટમમાં પણ વપરાશ મુજબનું બીલ વસુલવાને બદલે અનેક ગણુ વધુ બીલ ચુકવાતું હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. મહિને આવા સુધારા બીલ માટે પણ અનેક લોકો કચેરીના ધક્કા ખાય છે. ઓનલાઇન સીસ્ટમમાં રાજકોટમાં અત્યારે 1પ00 જેટલા ગ્રાહકો નોંધાયા છે. તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા