ગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે

  • ગમે તે ટ્રસ્ટની વિગત ઘર બેઠા જોઇ શકાશે

ડિજિટલ ગુજરાત, ટ્રસ્ટની નોંધણી ઓનલાઇન  રાજકોટ સહિત રાજ્યભરની ચેરિટી કમિશનર કચેરીના ત્રણ કરોડથી વધુ ડોકયુમેન્ટનું ડિજિટલાઇઝેશન કરાયું
રાજકોટ તા.ર3
રાજકોટ સહિત રાજ્યભરમાં નોંધાયેલા ટ્રસ્ટોની વિગત સાર્વજનીક કરવામાં આવી છે. ડિજિટલાઇઝેશન હેઠળ તમામ ટ્રસ્ટોની માહિતી અરજદાર અને કોઇપણ વ્યકિતને ઘર બેઠા મળે તેવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં નોંધાયેલા જાહેર ટ્રસ્ટોની નોંધણી હવે વેબસાઇટ મારફત ઓનલાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે કોઇપણ અરજદારને ઘર બેઠા જ કોઇપણ ટ્રસ્ટની માહિતી અને હુકમોની જાણકારી આસાનીથી પ્રાપ્ત થઇ શકશે.
કોઇપણ ટ્રસ્ટનો વહીવટી ફાળો જે ટપાલથી કે ચેરીટી કમિશ્નરની કચેરીમાં રૂબરૂ ધક્કા ખાઇને ભરવો પડતો હતો તેનું હવે ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા ટ્રસ્ટો માટેની ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવતા ટ્રસ્ટોના સંચાલકોને પણ તેનો ઘણોખરો ફાયદો પ્રાપ્ત થશે. એટલું જ નહી ચેરીટી કમિશ્નર દ્વારા કરવામાં આવેલા હુકમ પણ ઓનલાઇન મુકી દેવામાં આવશે. ટ્રસ્ટના વહીવટમાં હોદ્દેદારો બદલાતા તેના રીપોર્ટ પણ ઓનલાઇન સીસ્ટમથી કરી શકવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
રાજકોટ સહિત રાજ્યભરની ચેરીટી કમિશ્નર કચેરીને લીંકઅપ કરવામાં આવી છે અને તેના 3 કરોડથી વધુ ડોકયુમેન્ટનું ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આથી કોઇપણ ટ્રસ્ટની માહિતી અરજદારોને જોતી હશે તે પણ આસાનીથી મળતી થઇ જશે. ગુજરાતને ડિઝીટલ બનાવવા માટે રૂપાણી સરકાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્યના રેવન્યુ વિભાગ સહિતના અનેક વિભાગમાં ડિઝીટલાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે ચેરીટી કમિશ્નરની કચેરીને પણ ડિઝીટલાઇઝેશન હેઠળ આવરી લેવામાં આવી છે.