કોંગ્રેસના 40 ટકા MLAનો ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો

  • કોંગ્રેસના 40 ટકા MLAનો  ‘ધરાર’ પાર્ટી-ફંડ સામે ધખારો

1-1 લાખનો ચેક મોકલી આપવાના હાઈ કમાન્ડના આદેશની અવગણના
અમદાવાદ: દેશમાં અને મોટાભાગના સમૃધ્ધ ગણાતા રાજ્યોમાં કોંગ્રેસે સત્તા ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસ આર્થિક ભીંસનો સામનો કરી રહી છે. કોંગ્રેસને ફંડ આપતા ઉદ્યોગપતિઓ હવે ભાજપના ડરથી કોંગ્રેસને ફંડ આપતા ડરી રહ્યા છે. ભાજપના ફંડમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે ત્યારે સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આથી કોંગ્રેસે ગુજરાતના તેના તમામ ધારાસભ્યોને પાર્ટી ફંડમાં એક એક લાખ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના તમામ 77 ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદો પાસેથી એક-એક લાખ રૂપિયાનું ફંડ પક્ષમાં જમા કરાવવા આદેશ કર્યો છે.
કોંગ્રેસ પક્ષની આર્થિક સ્થિતિ નબળી પડતાં એઆઈસીસીના ખજાનચી મોતીલાલ વોરાની સહી સાથેનો પત્ર તમામ ધારાસભ્યોને અપાયો છે, જેમાં વહેલી તકે એઆઈસીસીને એક લાખનો ચેક મોકલી આપવા તાકીદ કરાઈ છે. આ ફરમાનને કારણે કોંગ્રેસ પક્ષના નવા-સવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં અંદરો અંદર કચવાટની લાગણી ફેલાઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પાસેથી એક લાખ ફંડનું ઉઘરાણું શરૂ કર્યું છે. આ આદેશને પગલે અત્યાર સુધીમાં કોંગ્રેસના 60 ટકા જેટલા ધારાસભ્યોએ એઆઈસીસીના નામે દિલ્હી દરબારમાં ચેક મોકલી આપ્યો છે, પરંતુ હજુ 40 ટકા જેટલા ધારાસભ્યોએ પાર્ટી ફંડ આપ્યું નથી. આ ધારાસભ્યો નાણાં છૂટા કરે તે માટે તાજેતરમાં જ કોંગ્રેસના યુવા નેતાએ તાજેતરમાં જ બેઠક યોજી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાર્ટી ફંડ તો આપવું જ પડશે. ફંડના ઉઘરાણા પાછળ એવું કારણ અપાયું છે કે, ધારાસભ્યો પક્ષના માધ્યમથી ચૂંટાયા છે. સંગઠનને આર્થિક રીતે તકલીફ ના પડે તે માટે દરેક સભ્યનું યોગદાન જરૂરી છે. જોકે કોંગ્રેસ હાઈકમાન્ડના આ ફરમાન સામે ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમણે હજુ સુધી એક લાખનો ચેક હાઈકમાન્ડને મોકલ્યો નથી. સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે આવી જ ઉઘરાણી અન્ય રાજ્યોમાં પણ તેમના પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પણ કેટલાક ઉમેદવારોએ 30 લાખના ફંડ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષને સત્તા ન મળી તે માટે પક્ષે ઓછું ફંડ આપ્યું હોવાનું કારણ દર્શાવ્યું હતું. નાણાં ભીડના કારણે જ પ્રદેશ કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયના બાકી બિલો હજુ ક્લિયર કર્યા નથી.
નવા પ્રદેશ પ્રમુખ આવ્યા એ પછી લેણદારોએ નાણાં મળવાની અપેક્ષાએ ઉઘરાણી વધુ તેજ કરી છે.