વડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો

  • વડોદરાના છાત્રનો કાતિલ વિદ્યાર્થી ઝડપાયો


વડોદરા: ભારતી સ્કૂલના ટોઇલેટમાં ધો.9ના વિદ્યાર્થીની હત્યા કરીને ફરાર થઈ ગયેલો વિદ્યાર્થી મોડીરાતે વલસાડમાં પકડાયો હોવાનું જાણવા મળ્યુ છે. આવતીકાલે સવાર સુધીમાં આરોપી વિદ્યાર્થીને વડોદરા લઈ આવવામાં આવે તેવી શકયતા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા ધો.10માં ભણતા વિદ્યાર્થી આરોપીને વડોદરા ખાતે લવાયા બાદ હત્યાનું સાચુ કારણ અને ખૂન કરવા માટે મદદગારી કરનારા બીજા વિદ્યાર્થીઓના નામો ઉપરથી આજે પડદો ઊંચકાશે. ફોરેન્સિક સાયન્સ લેબના નિષ્ણાંતના અભિપ્રાય પ્રમાણે એક કરતાં વધુ હુમલાખોરોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. એક સાથે ઉપરા છાપરી 30 જેટલા ઘા ઝીંકવા તે એક વિદ્યાર્થીનું કામ નથી. હવે પ્રશ્ન એ છે કે, હત્યા માટે બીજા કેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને એવુ તો શું કારણ હતુ કે આટલા ઝનૂન પૂર્વક ઘા ઝીંકીને બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી છે. જો કે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે.
હાલના તબક્કે એટલો તર્ક છે કે, મરનાર વિદ્યાર્થી અને હુમલાખોર વિદ્યાર્થી બંન્ને એક જ વિસ્તારમાં રહે છે. હુમલાખોર વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી ભારતી સ્કુલમાં ભણે છે જયારે દેવનો શુક્રવારે સ્કુલમાં 3જો દિવસ હતો. સ્કુલમાં કોઈ અણ બનાવ બન્યો હોય તેવી શકયતા નહિ બરાબર છે પરંતુ આ અદાવત તેના ઘર અને આસપાસને લગતી હોઈ શકે છે. જેનો ટૂંકા સમયગાળામાં ભેદ ઉકેલાઈ જશે.