મુશર્રફ, ઈમરાન ખાન અને પૂર્વ પીએમના ઉમેદવારી પત્રો રદ

  • મુશર્રફ, ઈમરાન ખાન અને પૂર્વ પીએમના ઉમેદવારી પત્રો રદ


ઈસ્લામાબાદ તા,21
પાકિસ્તાનના ચુંટણપીપંચે ગઈ કાલે પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનનું ઉમેદવારીપત્ર રદ કરી દીધું છે. ઈમરાન ખાન આ નિર્ણયને કોર્ટમાં પડકારશે. આ અગાઉ ચૂંટણીપંચે પૂર્વ વડા પ્રધાન અને પીએમએલએનના નેતા શાહિર ખાકાન અબ્બાસી અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનાં પણ ઉમેદવારીપત્ર રદ કરી દીધાં હતાં. પાકિસ્તાનમાં આગામી 25 જૂલાઈએ ચૂંટણી યેાજાવાની છે તે અંગે હાલ તૈયારી ચાલી રહી છે.
પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા અનુસાર ચૂંટણી અધિકારીએ ઈસ્લામાબાદના એનએ-53 માટે અબ્બાસી અને તેના વૈકલ્પિક ઉમેદવાર સરદાર મહતાબના ઉમેદવારીપત્રને પણ રદ કરી દીધાં હતાં. આ બંને ઉમેદવાર ચૂંટણીપંચ સમક્ષ તેમનાં સોગદનામાં દાખલ કરવામાં નિષ્ફળ ગયા હતા.
ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર અબ્બાસીએ તેમના પુરાવા સાથે ટેકસ રિટર્નની માહિતી પૂરી પાડી ન હતી. મુશર્રફે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઉત્તર ચિત્રાલ જિલ્લામાંથી ઉમેદવારી કરી હતી. પેશાવર હાઈકોર્ટે 2013માં મુશર્રફને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને તેના આધારે તેમનું ઉમેદવારીપત્ર રદ કરાયું હતું.
મુશર્રફ હજુ 22 જૂન સુધી તેમની ઉમેદવારી રદ કરવા સામે અપીલ કરી શકે છે. આ ઉપરાંત અબ્બાસી સહિત અન્ય ઉમેદવારોએ પણ આજે ચૂંટણી ટ્રિબ્યૂનલમાં ચૂંટણીપંચના ચુકાદાને પડકારવાની વાત કરી છે. ટ્રિબ્યૂનલ 27 જૂન સુધી ઉમેદવારોની અપીલ અંગેના ફેંસલા સાંભળશે, સાથોસાથ માન્ય ઉમેદવારોની યાદી 28 જૂને જાહેર કરવામાં આવશે.
ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ 29 જૂન છે, જ્યારે ઉમેદવારોની આખરી યાદી 30 જૂને બહાર પાડવામાં આવશે. હાલ પાકિસ્તાનમાં કાર્યકારી સરકાર ચાલે છે. આ ચૂંટણીમાં કુલ 10.6 કરોડ મતદાન તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં છ કરોડ પુરુષ અને 4.6 કરોડ મહિલા મતદાર છે.