પતિ સાથે બાઇક પર જતા પ્રૌઢાના ગળામાં ઝોંટ મારી 45 હજારના ચેઇનની ચીલઝડપ

કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે બનાવ

અજાણ્યા બાઇક સવાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટ,તા.14
શહેરના કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે પતિના બાઇક પર બેસી જતાં પ્રૌઢાના ગળામાં ચાલુ બાઇકે ઝોંટ મારી અજાણ્યો બાઇક ચાલક રૂા.45 હજારના સોનાના ચેનની ચીલઝડપ કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર ન્યુ સુભાષનગરમાં રહેતા રમેશભાઇ ચનાભાઇ રામાણી (ઉ.વ.56) નામના પટેલ પ્રૌઢા ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 11/6ના રાત્રે તેઓ તેમના પત્ની સાથે બાઇક પર જતા હતા ત્યારે કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે અજાણ્યા બાઇક ચાલકે ચાલુ બાઇકે તેમની પત્નીના ગળામાં ઝોંટ મારી તેમણે પહેરેલો 3 તોલાનો સોનાનો ચેન અને 3 ગ્રામનું સોનાનું પેન્ડલ (કિ.45000)ની ચીલઝડપ કરી નાસી ગયો હતો જે અને એએસઆઇ એમ.ડી.ગઢવીએ રમેશભાઇ રામાણીની ફરિયાદ પરથી અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.