‘પાવરહાઉસ’ની મારામારીમાં યુનિયનની જ ભેદી ભૂમિકા !

ભાજપ નેતા સહિતના ચાર શખ્સોએ ઓફિસમાં આતંક મચાવ્યાની ઘટનામાં ચર્ચાતી ચોંકાવનારી વિગત રાજકોટ તા.14
રાજકોટના પાવરહાઉસમાં નાયબ અધિક્ષક ઉપર ભાજપના વોર્ડ પ્રમુખ સહિત ચાર શખ્સોએ ઓફિસમાં આતંક મચાવી કરેલા હુમલાની ઘટનામાં યુનિયનની જ ભેદી ભુમિકા હોવાની ચોકાવનારી વિગત પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પીજીવીસીએલના કર્મચારીઓના પ્રશ્નો માટે બનેલ યુનિયન કર્મચારીઓની ઢાલ બનવાને બદલે પાડી દેવાની પ્રવૃતિ કરતું હોવાનો ખુલાસો થતા કર્મચારીગણમાં કચવાટની લાગણી ફેલાઇ જવા પામી છે. પાવર હાઉસમાં બનેલી ઘટનામાં યુનિયનના હોદ્દેદારોએ વરવી ભુમિકા ભજવી હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે.
કામગીરીના પ્રશ્ને બે કર્મચારીઓ વચ્ચે થયેલ અંદરોઅંદર ઝઘડામાં મામલો વધુ બીચકયો હતો અને એક કર્મચારીએ ભાડુતી માણસો બોલાવી કચેરીની અંદર બીજા કર્મચારીની ધોલાઇ કરાવી હતી. આ ઘટનામાં યુનિયનને તટસ્થ રહીને ભાડુતી માણસો બોલાવનાર કર્મચારી સામે આકરામાં આકરી કાર્યવાહી કરવાની માગણી કરવી જોઇએ પરંતુ આમ કરવાને બદલે યુનિયન પાણીમાં બેસી ગયું છે.
ધાકધમકી અને માથાભારે કર્મચારી પાસે યુનિયન પણ ઘુંટણીયે પડી ગયું છે. એટલું જ નહીં પણ ઓફીસવડા તરીકે જેની જવાબદારી થાય છે તે સીટી ઇજનેર પણ બનાવથી હતપ્રભ બની ગયા છે અને વાસ્તવિક રીપોર્ટ આપવાના બદલે ઘટનાને વળાંક આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
વિશ્ર્વસનીય વર્તુળો પાસેથી જાણવા મળતી વિગત મુજબ માથાભારે કર્મચારીએ ધાકધમકીથી અન્ય સાથી કર્મચારીઓના નિવેદન લેવડાવી માર ખાનાર કર્મચારીની બદલી કરવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમાં તમામ સ્ટાફ પણ સહમત થઇ ગયો છે. જો કે સ્ટાફ પણ વાસ્તવિક હકીકતને સમર્થન આપવાને બદલે માથાભારે કર્મચારીને સપોર્ટ કરી રહ્યો છે. કારણ કે જો આવું કરવામાં ન આવે તો માથાભારે કર્મચારી કયાંક તેને પણ હડફેટે ન લઇ લે તેવી દહેશતથી નિર્દોષ કર્મચારી વિરૂધ્ધ ષડયંત્રના ભાગ બન્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે.
ભાજપના વોર્ડ પ્રમુખ સહિત ચાર શખ્સોએ સરાજાહેર કચેરીમાં ઘુસી પીજીવીસીએલના કર્મચારીને માર માર્યાના બનાવમાં યુનિયનની પણ ભૂમિકા વરવી સાબિત થઇ રહી છે. યુનિયન ગમે તેવા ચમરબંધી સામે પડી આકરી કાર્યવાહી કરાવી શકે છે પરંતુ આ કેસમાં યુનિયન પણ માથાભારે કર્મચારીના સપોર્ટમાં આવી ગયું છે. આમ કર્મચારીની અંદરોઅંદરના ઝઘડામાં રાજકારણ પણ ભાગ ભજવી રહ્યું છે. યે કેસા ‘પાલા’ પડા....! યુનિયન પણ મૂંઝાયું બસ સ્ટેન્ડ નજીક આવેલ પાવર હાઉસમાં બોલેલી બઘડાટીમાં પીજીવીસીએલનું યુનિયન પણ મુંજવણમાં મુકાઇ ગયું છે. નિર્દોષ કર્મચારીને સાથ આપવો કે માથાભારે કર્મચારીને ટેકો આપવો એ બાબત બંને તરફી યુનિયન ડાકલી વગાડી રહ્યું છે. સીટી ઇજનેર આ મામલે તટસ્થ રીપોર્ટ કરી પીજીવીસીએલના મેનેજીંગ ડીરેકટરને આપનાર છે તેના ઉપર હવે કર્મચારીઓની મીટ
મંડાઇ છે. સમાધાન બાદ પણ ધાકધમકી પાવર હાઉસમાં થયેલી મારામારીની ઘટનામાં બંને કર્મચારી વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું છતા પણ માથાભારે કર્મચારીએ નિર્દોષ કર્મચારીને હેરાન પરેશાન કરવા માટે સ્ટાફને ધાકધમકી આપી નિવેદન નોંધાવ્યા છે. આ મામલે યુનિયનના હોદ્દેદારો પણ ચુપ થઇ ગયા છે. સ્પષ્ટ દેખાય આવે છે કે એક કર્મચારી નિર્દોષ છે છતા પણ તેને સમર્થન આપવામાં યુનિયન આગળ આવતું નથી તે ગજબ કહેવાય !! તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા