ઉ.પ્રદેશમાં આંધી-વરસાદથી 12નાં મોત

લખનૌ તા.14
ઉત્તરપ્રદેશમાં બુધવારે સાંજે આવેલી તેજ આંધી, વરસાદ અને વીજળી પડવાની ઘટનામાં અલગ-અલગ જિલ્લામાં બાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય ઘણાં લોકો આમા ઈજાગ્રસ્ત છે. ઉત્તર પ્રદેશના સીતાપુર, ફૈઝાબાદ, ચિત્રકૂટ, ગોંડા, હરદોઈ, કૌશાંબી અને કન્નૌજ જિલ્લામાં આંધી અને વરસાદે કેર વરસાવ્યો છે. ઉત્તર પ્રદેશના અવધ ક્ષેત્રામં સાત લોકોના મોત નીપજ્યા છે. એકલા સીતાપુરમાં ચાર, ગોંડામાં બે અને ફૈઝાબાદમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. જ્યારે કન્નૌજ અને કૌશાંબીમાં બે-બે અને હરદોઈમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. દેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં સક્રિય ચક્રવાતને કારણે મોનસૂનની ઝડપ ધીમી થઈ ચુકી છે. તેના કારણે યુપીમાં મોનસૂન ચારથી પાંચ દિવસ વિલંબથી પહોંચવાની શક્યતા છે. યુપીમાં સામાન્ય રીતે મોનસૂન પંદરમી જૂને દસ્તક દેતું હોય છે.