રાજસ્થાનથી ટોરસમાં ખાતર નીચે ચોરખાનામાં છુપાવીને રાજકોટ આવતો 12.96 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

9 લાખના ટોરસ સહિત 21.98 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ: મંગાવનાર અંગે પૂછપરછ
રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં દારૂ જુગારનું દુષણ ડામવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બાતમી આધારે મોડી રાત્રે કુવાડવા રોડ ઉપર વોચ ગોઠવી રાજસ્થાનથી ટોર્સમાં ચોરખાનામાં છુપાવીને રાજકોટ લવાતા 12.96 લાખના દારૂ બીયરના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લઇ મંગાવનાર શખ્સ અંગે પૂછપરછ હાથ ધરી છે પોલીસે દારૂ અને વાહન સહીત કુલ 21.97 લાખનો મુદામાલ કબ્જે લીધો છે.
રાજ્યભરમાં તારીખ 12 જૂનથી 26 જૂન સુધી રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા પ્રોહીબીશનના કેશો કરવા અંગે ખાસ ઝુંબેશ ગોઠવી હોય જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જેસીપી દિપક ભટ્ટ, ડીસીપી બલરામ મીણા, કરણરાજ વાઘેલા, એસીપી ભરત રાઠોડની સૂચનાથી અને ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી ટી ગોહિલ, પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીગ્નેશભાઈ મારૂં, વિક્રમભાઈ લોખીલ, અમીનભાઈ ભાલૂર, જયદીપસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જીગ્નેશભાઈ મારૂં, જયદીપસિંહ જાડેજા અને વિક્રમભાઈ લોખીલને ખાનગીરાહે હકીકત મળી હતી કે રાજસ્થાન પાસીંગનો અમદાવાદથી રાજકોટ તરફ આવતા ટોરસમાં દારૂનો જથ્થો છે આ બાતમી આધારે અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા નજીક સાયપર ગામે વોચ ગોઠવવામાં આવી હતી વોચ દરમિયાન આર જે 07 જી 7026 નંબરનો ટ્રક પસાર થતા તેને અટકાવી તલાસી લેતા પ્રથમ દ્રષ્ટિએ ટોરસમાં અન્ય માલ જોવા મળ્યો હતો પરંતુ એ માલ નીચે બનાવેલ ચોરખાનાની જડતી લેતા અંદરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 3900 બોટલ અને 600 બીયરના ટીન મળી આવતા પોલીસે કુલ 12.96 લાખનો દારૂ બિયરનો જથ્થો, ત્રણ મોબાઈલ અને 9 લાખનું ટોરસ સહીત 21,97,500 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. રાજસ્થાનથી વિદેશી દારૂ બિયરનો જથ્થો લઈને આવતા રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર તાલુકાના ખારા ગામના ભૂરારં મેઘરામ દેસાઈ અને રાણીવાળા તાલુકાના કોટડા ગામના રઘુનાથ ભીખારામ બિસ્નોઈને ઝડપી લીધા હતા આ દારૂનો જથ્થો કોણે મોકલાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો
તે અંગે પોલીસે પકડાયેલ બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી છે મોટી માત્રામાં દારૂ બિયરનો જથ્થો પકડાઈ જતા બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.