26મીથી પાટીદાર આંદોલન ફરી શરૂ

26મીએ ધ્રાંગધ્રાના મોટી મોલવણ ગામે ઉમટી પડવા હાર્દિક પટેલની ‘યુવાનો’ને હાકલ સરકારે રચેલું તપાસપંચ પાટીદારોને મનાવવા માટે લોલીપોપ છે : દમનના મુખ્ય સૂત્રધાર અમિત શાહ
અમદાવાદ તા,22
2015થી શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનનાં અનુસંધાને હાર્દિક પટેલ દ્વારા નવેસરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. પાટીદાર અનામત આંદોલનને ધમધમતું કરવા માટે હાર્દિક પટેલના નેતૃત્વમાં વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર ન્યા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરી ફરીથી પાટીદાર અનામતની આહલેકની જગાવવામાં આવશે.
પાટીદાર ન્યાય મહાપંચાયત અંગે હાર્દિક પટેલે યુવાનોને હાકલ કરી કહ્યું કે આગમી 26મી મેના રોજ ધાંગ્રધાના મોટી મોલવણ ખાતે હાજર રહેજો. મોટી મોલવણમાં સાંજ સાત વાગ્યે પાટીદાર ન્યાય મહાપંચાયત રાખવામાં આવી છે. હાર્દિકે કહ્યું કે આંદોલન કેમ બંધ થઈ ગયું છે તેવું કહેનારા લોકોએ મહાપંચાયતમાં ખાસ હાજરી આપવાની રહે છે. પાટીદાર ન્યાય મહાપંચાયતમાં પાટીદાર સમાજના મહત્વના મુદ્દા અંગે ગુજરાત સરકારને અલ્ટીમેટમ આપવામાં આવશે. હાર્દિકે કહ્યું કે પાટીદારો પર થયેલા પોલીસ દમનની તાપસ માટે પુંજ તપાસ પંચની રચના ભાજપે 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી કરેલી છે. પાટીદાર સમાજને ન્યાય આપવામાં સરકાર દેખાડો કરી રહી હોવાનો આક્ષેપ હાર્દિકે કર્યો હતો.
હાર્દિકે કહ્યું કે પુંજ તપાસ પંચ ખરેખર તો નારાજ પાટીદારોને મનાવવા માટેની એક લોલીપોપ છે, બીજુ કંઇ નહી. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પોલીસ દમનમાં મુખ્ય સૂત્રધાર તો અમીત શાહ જ છે. જે વખતે ધમાલ થઈ હતી તેમાંના કેટલાક અધિકારીઓનું પ્રમોશન થયું છે તો, કેટલાક દિલ્હી બેઠા છે. પાટીદાર અનામત આંદોલનના ક્ધવીનર હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ચાર્જફ્રેમની શરૂઆત થઈ હોવાથી હાજર રહ્યો હતો. પંચોને બોલાવાયા હતાં પરંતુ પંચો હાજર રહી શકયા ન હતા. તેથી હાર્દિકે કહ્યું હતું કે, કેસમાં જાણી જોઈને ખોટી ઉતાવળ કરવામાં આવી રહી છે. કેસની સાથે તેઓ પણ આંદોલનને તેજ કરી રહ્યાં છે. સુરતમાં ત્રણેક દિવસના રોકાણ દરમિયાન વિવિધ મીટીંગોમાં તેઓ હાજર રહીને ફરીથી ભાજપ વિરુધ્ધ રણનીતિ ઘડતાં હોવાનો તેણે ઘટસ્ફોટ કર્યો હતો. મહાપંચાયતના અનુસંધાનમાં હાર્દિકે તેના નિવાસે મીટીંગ પણ આયોજિત કરી હતી.
હાર્દિકે કહ્યું કે ન્યાય પંચાયતમાં પાટીદાર યુવાનો પર દાખલ કરવામાં આવેલા રાજદ્રોહના કેસ પર ખેંચવા માટે માંગ કરવામાં આવશે. જે લોકો મને ખોટો કહે છે તે લોકો ભાજપમાં કેમ જોડાઈ ગયા છે. પાટીદાર આંદોલન બાદ સરકારે એક હજાર કરોડની સ્વાવલંબન યોજના અને બિન અનામત વર્ગ માટે આયોગ બનાવ્યો છે. આ બધું આંદોલનના પરિણામ સ્વરૂપ છે. આ ઉપરાંત સરકારી નોકરીમાં પાંચ વર્ષની મર્યાદા પણ આંદોલનના કારણે જ વધી છે. હાર્દિક વગર પાટીદારોની શહીદયાત્રા
અમદાવાદ: પાટીદાર સમાજને અનામત આપવવા સ્થપાયેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)માં બે જૂથ પડી ગયા છે. એક હાર્દીક પટેલ અને બીજુ દિલિપ સામ્બવા જૂથ. ત્યારે દિલિપ સામ્બવા જૂથ દ્વારા સુષુપ્ત અવસ્થામાં પહોંચી ગયેલા પાસમાં ફરી નવા પ્રાણ પૂરવાના ભાગરૂપ શહીદ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે. આ શહીદ યાત્રા ઉંજા ખાતેથી ઉમિયાધામથી ખોડલધામ કાગવડ સુધી કાઢવામાં આવશે. આગામી 24 જૂનના દિવસે આ શહીદ યાત્રા શરુ થશે અને રાજ્યના કુલ 97 તાલુકામાંથી પસાર થશે. આ અંગે માહિતી આપતા સાબ્વાએ કહ્યું કે, અમે આ યાત્રા દરમિયાન 14 પાટીદાર શહીદોના ફોટોફ્રેમ સાથે લેશું જેમની પાટીદાર અનામત આંદોલન વખતે હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ માતા ઉમિયા અને ખોડલનો પણ એક રથ હશે અને સરદાર વલ્લભભાઈ પટેલનો પણ એક રથ હશે. તેમજ પાસના કોઈ આગેવાનું પોસ્ટર આ યાત્રામાં લગાવવામાં નહીં આવે. સાબ્વાએ વધુમાં કહ્યું કે, યાત્રા પાછળનો હેતું પાટીદાર શહીદોને ન્યાય અપાવવાનો છે. તેમજ પાટીદારો સામેના કેસ પરત ખેંચવા અને પાટીદારને અનામત આપવાનો મુખ્ય મુદ્દો રહેશે. રાજ્યના ત્રણેય ઝોનમાં કુલ મળીને આ યાત્રા 3349 કિમીનો પ્રવાસ કરશે. જેમાં 97 તાલુકા અને તેના ગામડાને કવર કરશે. આ સાથે જ તેમણે દાવો કર્યો કે તેમની આ યાત્રા ગીનીશ બુક અથવા લિમ્કા બુકમાં સ્થાન પામશે. જ્યારે સાબ્વાને પૂછવામાં આવ્યું કે શું હાર્દિક આ યાત્રામાં જોડાશે તો તેમમે કહ્યુંકે મારે હાર્દિક સાથે કોઈ વ્યક્તિગત વિરોધ નથી. હું આ યાત્રા પાટીદાર સમાજ માટે યોજી રહ્યો છું. જો તે પાટીદાર સમાજ માટે કંઈ કરવા માગતો હશે તો જરુર જોડાશે.