જામનગરની જૈન હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ બાખડી પડયા


એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ
જામનગર તા.18
જામનગરમાં ઇન્કમટેક્ષની ઓફીસની પાછળ આવેલી જૈન હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયાની ફરીયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે જયારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને જી જી હોસ્પિટલમાં દાખલ કરાયો છે પોલીસે હુમલા ખોર વિદ્યાર્થી ને સકંજામા લઇ લીધો છે હોસ્ટેલની વંડી ટપીને ભાગી છુટવા અંગેની માહિતી આપી દેવાના પ્રશ્ર્ને આ તકરાર થઇ હતી.
આ ચકચાર જનક ઘટનાની વિગતો આવી છે કે જામનગરમાં અંબર સિનેમા રોડ પર ઇન્કમટેક્ષની ઓફીસની પાછળના ભાગમાં આવેલી જૈન હોસ્ટેલમાં રહીને આયુર્વેદ ફાર્મ સી કોલેજમાં અભ્યાસ કરતા શિવમ નવનિતભાઇ પટેલ નામના વિદ્યાર્થી ઉપર ગઇ રાત્રે જૈન હોસ્ટેલના રૂમ નં-2 માં રહેતા ગૌરવગીરી જયસુખગીરી બાવાજી નામના અન્ય વિદ્યાર્થીએ છરીના કેટલાક ધા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડતા શિવમ પટેલ લોહી લુહાણ થઇ ગયો હતો.
આ સમયે તેને છોડાવવા વચ્ચે પડેલા રૂમ પાર્ટનર વિદ્યાર્થી ઉત્સવ નીતીનભાઇ દોંગાને પણ સામાન્ય ઇજા થઇ હતી જે બન્નેને સારવાર માટે જી જી હોસ્પિટલમાં લઇ જવાયા હતા ત્યાર પછી ઉત્સવ દોંગાએ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં શિવમની હત્યાનો પ્રયાસ કરવા અંગે ગૌરવગીરી જયસુખગીરી ગોસ્વામી સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે આઇપીસી કલમ 307 , 504 અને 323 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે પોલીસ ટુકડીએ આરોપી વિદ્યાર્થીને સકંજામા લઇ લીધો છે.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી તથા અન્ય વિદ્યાર્થીઓ અગાઉ હોસ્ટેલની દિવાલ કુદીને બહાર ભાગી ગયા હતા જેની રેકટર ને જાણ થઇ હતી જેથી રેકટર દ્વારા ભાગી છુટેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી અને તેમના વાલીઓને બોલાવી ઠપકો આપ્યો હતો જે માહિતી શિવમે આપી હોવાની શંકાના આધારે આ જીવલેણ હુમલો કરાયાનું જાહેર થયુ છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી વડોદારાનો વતની છે જયારે હુમલાખોર વિદ્યાર્થી તાલાલા તાલુકાના ધુડસીયા ગામનો વતની છે જેથી પોલીસે બન્ને વિદ્યાર્થીના વાલીઓને જામનગર બોલાવી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે આ બનાવે વિદ્યાર્થી વર્તુળમાં ભારે ચકચાર જગાવી છે.