પરણિતાને દહેજ સાસરીયાનો ત્રાસ


જામનગર તા.18
જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી અને ભાવનગર પરણાવેલી પરણિત યુવતિને તેણીના દહેજ ભુખ્યા સાસરીયાઓએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી આથી તેણીએ પોતાના સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાવી છે.
આ ફરીયાદ અંગેની હકિકત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતી કિંજલબેન હાર્દિકભાઇ ભટ્ટ નામની 25 વર્ષની વિપ્ર યુવતિના લગ્ન ભાવનગરના વતની હાર્દિક નવીનભાઇ ભટ્ટ સાથે થયા હતા તેણીને લગ્ન દરમ્યાન અપાયેલો સ્ત્રીધનનો માલસામાન સાસરીયાઓને ઓછો પડતો હોવાથી કિંજલબેનને મારકુટ કરી ત્રાસ ગુજારવામાં આવતો અને પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી પોતાને પત્ની તરીકે રાખતો ન હતો અને ઘરમાંથી હાંકી કાઢી હતી.
આથી તેણીએ જામનગર આવ્યા પછી મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ ભાવનગરના હાર્દિક નવીનભાઇ ભટ્ટ, સાસુ ભાવનાબેન નવીનભાઇ ભટ્ટ, સસરા નવીનભાઇ જીવરાજભાઇ ભટ્ટ વગેરે સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ પી સી કલમ 498 (એ) 323, 504, 506(2) 114 અને દહેજ પ્રતિબંધ ધારા હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
બે વ્યકિતના અપમૃત્યુ
જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતા એક યુવાનનું જયારે લાવડીયા ગામમાં રહેતા ભાનુશાળી બુઝુર્ગનું હદય થંભી જવાના કારણે મૃત્યુ નિપજયુ છે પોલીસે બન્ને મૃતદેહોનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યુ છે.
જામનગર તાલુકાના નારણપર ગામમા હેમતભાઇ કેશુભાઇ નંદા (ઉ.વ. 45) પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે એકાએક બેશુધ્ધ થઇ જતા તાબડતોબ સારવાર માટે જી જી હોસ્પિટલમાં પહોંચાડયા હતા જયા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના લાવડીયા ગામમાં રહેતા નવીનભાઇ ગોવિંદભાઇ ભદ્રા નામના 62 વર્ષના પ્રૌઢને પોતાના ઘેર છાતીમાં દુખાવો ઉપડયો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મૃત્યુ નિપજયું છે પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.