જામનગર મનપાનો કમાલ ! મિલકતોની માપણી બાકી , વેરા બિલો ઠપકારી દીધા


મહાપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પહોચી નથી ત્યા વેરા બિલ પહોંચી ગયા ! વિપક્ષના પૂર્વ નેતાએ કમિશનરને કરી રજૂઆત
જામનગર તા,18
જામનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ નવા વિસ્તારોના રહેવાસીઓને જામ્યુકો દ્વારા આપવામા આવેલ હાઉસ ટેક્ષના બીલો પરત ખેંચવા પૂર્વ વિરોધ પક્ષના નેતા અસલમ ખીલજી દ્વારા કમિશ્નરને લેખીત રજુઆત કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકામાં નવા સમાવેયેલા વિસ્તારો કે જે કાલાવડ ગેઇટ થી મોરકંડા રોડ , મહાપ્રભુજીની બેઠક રોડ થી શાહ પેટ્રોલ પંપ રોડ, મહારાજા સોસાયટીથી નુરી પાર્ક ચોકડી રોડ વગેરે આખો નગરસીમ વિસ્તાર તાજેતરમાં જ જામ્યુકોમાં સમાવવામાં આવેલ છે.આ વિસ્તારોમાં હજુ સુધી રહેણાંક મકાનોની કોઇ પણ પ્રકારની માપણી કરવામાં આવેલ નથી તેમજ આસામીઓને એ અંગેની નોટીસો પણ કયારે બજાવવામાં આવેલ નથી ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પાયાની સુવિધા જેવી કે સફાઇ, લાઇટ, પાણી, રસ્તા, ગટર જેવી કોઇપણ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી.ઉપરાંત સ્ટ્રીટ લાઇટ પણ આપવામાં આવેલ નથી.
આમ મહાનગરપાલિકા દ્વારા કોઇપણ પ્રકારની પ્રાથમિક અને પાયાની સુવિધાઓ આપવામાં આવેલ ન હોવા છતા તેમજ મકાન બાંધકામની કોઇપણ ખરાઇ કે માપણી કર્યા વગર આવો પ્રથમ મિલકત વેરાનો જે દર નક્કી કરવામાં આવેલ છે તે અયોગ્ય છે .
તેઓએ ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસીપલ કોર્પોરેશન એકટની જુદી જુદી કલમો ટાંકી અને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ આ બીલો કુદરતી ન્યાયના સિધ્ધાંતો બહાર હોય તેમ પણ ઉમેર્યુ છે. ઉપરાંત આ આસામીઓને ઓકટોબર 2013 થી માર્ચ 2018 સુધી મિલકત વેરાના બીલો - ડીમાન્ડ નોટીસો આપવામાં આવી છે તદ્ન ગેરકાયદેસર, મનસ્વી અને તરંગી હોવાનો પણ જણાવ્યું છે. સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટના એક ચુકાદાની નકલ સામેલ રાખી અને જામ્યુકો કમિશ્નરને અંતમાં એવી પણ રજુઆત કરી છે કે જામનગર મહાનગરપાલિકામાં નવા સમાવાયેલા વિસ્તારોના રહેવાસીઓને આપવામાં આવેલ વેરા બીલો તદ્દન ગેરકાયદે હોય જે તાત્કાલીક અસરથી પરત ખેંચવા રજુઆત કરાય છે.