રાજકોટમાં વજુભાઇના નિવાસે કોંગ્રેસનો દેખાવો

 કર્ણાટકમાં ભાજપ સત્તાથી વેંત એક છેટું છતાં આમંત્રણ આપી શપથવિધિ કરાવતા કોંગ્રેસ આગબબૂલા: અમરેલી, જૂનાગઢ, ભાવનગર, જામનગર સહિત સૌરાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન રાજકોટ,તા.18
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામની અસર ગુજરાતમાં વર્તાઇ છે. સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને બહુમતિ મળ્યા બાદ સત્તા હાંસલ કરવામાં વેત એકનું છેટું રહી ગયા બાદ તોડ-જોડ કરી મૂળ રાજકોટના વતની એવા કર્ણાટકના રાજયપાલ વજૂભાઇ વાળાએ ભાજપનો ‘પક્ષ’ લેતા રાજકારણમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. આજે રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા કર્ણાટકના ગર્વનર સામે દેખાવો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં નૂતનનગર કોમ્યુનીટી હોલ ખાતે સવારે 10:30 કલાકે રાજકોટ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ, એનએસયુઆઇ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, ઓબીસી વિભાગ, અનુ.જાતિ ડીર્પામેન્ટ, અનુ.જનજાતિ ડીર્પામેન્ટ, લઘુમતિ ડિપાર્ટમેન્ટ, આઇ.ટી.સેલ, માલધારી સેલ, ફરિયાદ સેલ, તેમજ વિવિધ ફ્રન્ટલ સેલના પ્રમુખો, કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે.
રાજકોટના કર્ણાકટનાં રાજયપાલ વજૂભાઇ વાળાનું નિવાસસ્થાન નૂતનનગરમાં આવેલ હોય મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની બહુમતી હોવા છતાંય રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી શપથવિધિ કરાવી નાંખતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. દિલ્હીથી હાઇકમાન્ડે આદેશ કરતાં આજે રાજકોટ સહિત સૌરાષ્ટભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કર્ણાટકમાં સત્તાની સાઠમારી ચાલી રહી છ.હજુ કોણ સત્તા હાંસલ કરશે તે નક્કી નથી. કોંગ્રેસ-જેડીએસ બહુમતીના જોરે સરકાર રચવા દાવો કર્યો છે તેમ છતાંય ભાજપના રાજ્યપાલે યેદુરપ્પાને મુખ્યમંત્રીના સોગંદ લેવડાવ્યા છે જેથી કોંગ્રેસી નેતા અશોક ગેહલોતે કોંગ્રેસના તમામ પ્રદેશ પ્રમુખોને તાકીદે પત્ર લખીને વિરોધ નોંધાવવા સૂચના આપી છે. તેથી અમરેલી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર સહિત રાજયવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ.
અમરેલી
કર્ણાટકમાં રાજયપાલે ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ પાઠવતાં તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા છે. જે અંતર્ગત આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ. આજે અમરેલીમાં સવારે 10 કલાકે અમરેલી જિલ્લાના કોંગીજનો અમરેલી તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા અને બાદમાં રેલી સ્વરૂપે શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને કલેકટર કચેરીએ જઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથો સાથ, પેટ્રોલ- ડિઝલના ભાવ વધારાનો પણ વિરોધ કરાયો હતો.