હૈદરાબાદને હરાવી બેંગ્લોર હજુ પ્લેઓફની સ્પર્ધામાં

  • હૈદરાબાદને હરાવી બેંગ્લોર હજુ પ્લેઓફની સ્પર્ધામાં

218 રનના ટાર્ગેટ સામે હૈદરાબાદના 3 વિકેટે 204
બેંગ્લુરુ તા,18
આઈપીએલની 11 મી સીઝનની 51મી મેચ આજે અહીંના કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. બેંગ્લુરુએ નિર્ધારિત 20 ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 218 રનનો લક્ષ્યાંક હૈદરાબાદ સામે મૂક્યો હતો. જેમાં એબીડિ વિલિયર્સના 39 બોલમાં 69 રન, મોઈન અલીના 34 બોલમાં 65 રન અને કોલિન ડિ ગ્રેન્ડહોમના 17 બોલમાં 40 રન મુખ્ય હતાં. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરોમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 204 રન જ કરી શકી. આમ બેંગ્લુરુએ હૈદરાબાદને 14 રનથી હરાવી દીધું. મેચમાં થંપી આઈપીએલમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો. બેંગ્લુરુના થંપીએ 4 ઓવરમાં 70 રન આપ્યાં. અગાઉ આ રેકોર્ડ ઈશાંત શર્માના નામે હતો જેણે 2013માં 4 ઓવરમાં 66 રન આપ્યા હતાં. ટુર્નામેન્ટમાં સ્પર્ધામાં રહેવા માટે બેંગ્લુરુ માટે મેચ જીતવી જરૂરી હતી.
બેંગ્લુરુએ આપેલા 219 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલા હૈદરાબાદના ઓપનરો શિખર ધવન 18 રન અને એલેક્સ હેલ્સ 37 રન કરીને આઉટ થયા હતાં. ત્યારબાદ કેન વિલિયમસન અને મનીષ પાંડેએ બાજી સંભાળી. કેન વિલિયમસનને 42 બોલમાં 5 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 81 રન કર્યાં. પરંતુ તેના આઉટ થતા જીતની આશા ધૂંધળી બની ગઈ. મનીષ પાંડે 38 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રન કર્યાં અને છેક સુધી નોટઆઉટ રહ્યો. દીપક હુડા એક રન સાથે નોટ આઉટ રહ્યો. આમ નિર્ધારિત ઓવરોમાં હૈદરાબાદની ટીમ માત્ર 204 રન બનાવી શકી અને બેંગ્લુરુની ટીમ 14 રનથી જીતી ગઈ. બેંગ્લુરુ તરફથી યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને મોઈન અલીને એક એક વિકેટ મળી હતી. તમામ બોલરોની ટાઈટ બોલિંગ હતી. જો કે ગ્રેંડહોમે 2 ઓવરોમાં 34 રન આપી દીધા હતાં.
હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે સિદ્ધાર્થ કોલે 2 વિકેટ, સંદીપ શર્માએ એક વિકેટ લીધી હતી. બાસિલ થંપી સૌથી વધુ રન આપનાર બોલર બન્યો હતો. તેણે 4 ઓવરમાં 70 રન આપ્યા હતાં અને કોઈ વિકેટ લીધી નહતી.