પડધરીમાં કારખાનેદારનું સિક્યુરિટીમેન ઉપર ફાયરિંગ

રાજકોટ તા.17
રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલ પડધરી ગામે આવેલ બીટસ નામના કારખાનાના 11 કરોડ રૂપિયા બાકી હોય નાગરિક બેંકે સીલ મારી દીધું હોય અને ત્યાં તેમનો સિક્યુરિટી ગાર્ડ બેસાડી દીધો હોવાથી તેનો ખાર રાખી કારખાનેદારે હવામાં ફાયરિંગ કરી ભયનો માહોલ સર્જી દેતા પોલીસ કાફલો દોડી ગયો હતો પોલીસે ફરિયાદ નોંધી કારખાનેદાર સહીત બંનેની ધરપકડ કરી હતી.
પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફાયરિંગ અંગેની ફરિયાદમાં જાણવા મળતી વિગતો મુજબ પડધરી અડબાલકા રોડ પર આવેલ આર્યન બીટસ કારખાનું આવેલ છે.આ બેન્ક પાસે નાગરિક બેન્કના 11 કરોડ રૂપિયા નીકળતા હોવાથી બેન્ક દ્વારા સીલ મારી દઈ ત્યાં સિક્યુરિટી ગાર્ડ બેસાડી દીધો છે ગઇકાલે રાત્રે કારખાનાના માલીક શૈલેષ હંસરાજભાઇ તળપદા તથા તેનો મિત્ર હરેશ નાથાભાઇ દોંગા કારખાને ધસી આવ્યા હતા અને ત્યાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પડધરીના અનિરૂધ્ધસિંહ ખુમાનસિંહ જાડેજા સાથે અંદર પ્રવેશ કરવા અંગે માથાકૂટ કરી હતી. ત્યાર બાદ કારખાનેદાર શૈલેષ તળપદાએ તેની રિવોલ્વરમાંથી સિકયુરીટી ગાર્ડ અનિરૂધ્ધસિંહ જાડેજા પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. પરંતુ અનિરૂધ્ધસિંહ નમી જતા તેનો ચમત્કારીક બચાવ થયો હતો. ત્યાર બાદ કારખાનેદાર શૈલેષ તથા તેનો મિત્ર હરેશે અનિરૂધ્ધસિંહ તથા અન્યોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા. બનાવ અંગે અનિરૂધ્ધસિંહ જાડેજાએ પડધરી પોલીસને જાણ કરતા પીએસઆઇ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા.બનાવ અંગે હત્યાની કોશીષ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આરોપી કારખાનેદાર શૈલેષ તળપદા તથા તેના મિત્ર હરેશ દોંગાની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.