વી.વી.પી. કોલેજમાં ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સ વર્કશોપ યોજાયો

200 જેટલા છાત્રો વર્કશોપમાં જોડાયા
રાજકોટ,તા.17
વી.વી.પી. ઇજનેરી કોલેજના કમ્પ્યુટર વિભાગ અને અમદાવાદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ’ડેટા સાયન્સ એન્ડ એનાલીટીક્સ’ વર્કશોપનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં વિશ્ર્વકર્મા સરકારી ઇજનેરી કોલેજના કમ્પ્યુટર વિભાગનાં વડા પ્રો. મનસુખભાઇ સાવલીયા તેમજ અમદાવાદ યુનિવર્સિટીના ઇજનેરી ફેકલ્ટીના ડિન ડો. સંજયભાઇ ચૌધરી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્સંગે પ્રો. સાવલીયાએ જણાવ્યું હતું કે આજનાં સમયમાં ફક્ત કોડીંગ જ નહીં પરંતુ ડેટા એનાલીટીકસ પણ એટલું જ મહત્વ ધરાવે છે. હાલની પરિસ્થિતિમાં ડેટા એનાલીટીક્સનું કામ મોટા ભાગે વિદેશોમાં થઇ અને આપણા ભાગે ફકત કોડીંગનું જ કામ આવે છે.
આ ઉપરાંત ડો. સંજયભાઇ ચૌધરીએ પણ ડેટા એનાલીટીક્સનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, હાલમાં જેમ ડેટાની સાઇઝ વધે છે તેમ તેની સિક્યુરીટીનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે અને આ વિષયને અનુરૂપ તેમને સિક્યુરીટી રીલેટેડ વિવિધ પ્રોજેક્ટો વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ ઝોનની અલગ-અલગ કોલેજોમાંથી અંદાજીત 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમનું આયોજન વી.વી.પી. ઇજનેરી કોલેજના કમ્પ્યુટર વિભાગના વડા ડો. તેજસ પાટલીયાના માર્ગદર્શન હેઠળ પ્રો. મૌલોક ધામેચાએ કરેલું હતું. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશીકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા તથા હર્ષલભાઇ મણીઆર, આચાર્ય ડો. જયેશભાઇ દેશકરે શુભેચ્છાઓ પાઠવી હતી.