દિલ્હી ડેરડેવિલ્સના નેપાળી સ્પિનરને ICCની વર્લ્ડ ઈલેવનમાં મળ્યું સ્થાન

દુબઈ તા,17
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપથી ઉભરી રહેલા નેપાળના યુવા સ્પિનર સંદીપ લામિચાનેને વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 31 મેએ યોજાનારા ચેરિટી ટી20 ઈન્ટરનેશનલ મેચ માટે આઈસીસી વર્લ્ડ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશના શાકિબ અલ હસને ખાનગી કારણોને લીધે નામ પરત લઈ લીધું છે. આઈસીસીએ તેના નામ પરત લેવાના કારણોનો ખુલાસો કર્યા વગર આ જાહેરાત કરી છે. 17 વર્ષીય લામિચાનેના મેન્ટર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક છે. હાલમાં નેપાળનો આ ખેલાડી આઈપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સ માટે રમી રહ્યો છે. આ ચેરિટી મેચ લંડનના લોર્ડસમાં રમાશે. તેમાંથી થનારી આવક ગત વર્ષે તોફાનોમાં ક્ષતિગ્રસ્ત થયેલા વેસ્ટઈન્ડિઝના સ્ટેડિયમોના સમારકામ માટે ખર્ચ કરાશે.
આઈસીસીની ટીમમાં ઈયોન મોર્ગન (કેપ્ટન), શાહિદ આફ્રિદી, તામિમ ઇકબાલ, દિનેશ કાર્તિક, રાશિદ ખાન, મિશેલ મેકલેનગન, શોએબ મલિક, હાર્દિક પંડ્યા, થિસારા પરેરા અને લ્યૂક રોંચી પણ છે. વેસ્ટઈન્ડિઝની ટીમમાં સેમુઅલ બદ્રી, કાર્લોસ બ્રેથવેટ, ક્રિસ ગેલ, એવિન લુઈસ, મોર્લોન સેમુઅલ્સ અને આદ્રેં રસેલ છે. આઈસીસી વિશ્વ ઈલેવનમાં પસંદ થયા પર લામિચાનેએ કહ્યું, આ સમગ્ર દેશ માટે સન્માનની વાત છે અને તેનું સૂચક પણ છે કે નેપાળ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ઉપસ્તિતિ દર્જ કરાવી રહ્યું છે.