મ્યુઝિયમ । કવચ

વાદળ ઘેરાયાં હોય છે ત્યારે ઘરની બહાર નીકળતી વખતે
માણસ હાથમાં છત્રી રાખવાનું ભૂલતો નથી, કારણ કે એને
બરાબર ખ્યાલ હોય છે કે વરસાદને વરસતાં અટકાવવાનું
મારા હાથમાં ભલે નથી પણ વરસાદથી શરીરને
પલળતું અટકાવવાનું તો
મારા હાથમાં છે જ!
યુદ્ધના મેદાન પર
લડવા જઇ રહેલ
સૈનિક છાતી પર
કવચ લગાવીને જાય છે.
કારણ કે એને પાકો ખ્યાલ
હોય છે કે દુશ્મનને હુમલો કરતાં
અટકાવવાનું મારા હાથમાં
ભલે નથી પર એ હુમલાથી જાતને
સુરક્ષિત રાખી દેવાનું તો
મારા હાથમાં છે જ!
આ કવચ આપણને એક જ વાત કરે છે.
‘દોસ્ત! તારા સદ્ગુણોનો ખાત્મો
બોલાવી દેનારાં પ્રલોભનોનો
આ સંસારમાં પાર નથી.
જો તારી પાસે વ્રત-નિયમોનું કવચ નહીં હોય
તો આ પ્રલોભનો સદ્ગુણોના ક્ષેત્રે
તને ભિખારી બનાવી દેશે.
તને મારે આટલું જ કહેવું છે કે પ્રલોભનોથી
તારી જાતને બચાવતાં રહેવામાં તને હંમેશાં
સફળતા નહીં મળે પણ વ્રત-નિયમોના સ્વીકાર દ્વારા
એના આક્રમણને નપુંસક બનાવી દેવામાં તો
તું અચૂક સફળતાને વરી શકીશ!’ - આચાર્ય વિજયરત્ન સુંદર સૂરિશ્ર્વરજી મ.સા.