ઉ.પ્ર.માં દલિત યુવતી પર મંદિરમાં ગેંગરેપ

  • ઉ.પ્ર.માં દલિત યુવતી  પર મંદિરમાં ગેંગરેપ

 સીતાપુર જિલ્લાની ઘટના: 3 બદમાશો ગિરફત્તાર
લખનઉ તા.17
ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સોમવારે રાતે નૈમિશ્રનય કે નીમસર ધામ ખાતે મંદિરદર્શને ગયેલી 26 વર્ષની એક દલિત મહિલાને બંધક બનાવીને ત્રણ પુરુષોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરીને સામૂહિક દુષ્કર્મના આક્ષેપ ઉપરાંત એસસી/એસટી કાયદા હેઠળ પણ કેસ કર્યો છે.
મિશરીખ પોલીસ મથકના અધિકારી અશોકકુમારસિંહે જણાવ્યું હતું કે રામુ(32), રમેશકુમાર કશ્યપ (42) અને પાત્રુ કશ્યપ (23)ની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે દલિત મહિલા પોતાના 19 વર્ષના ભત્રીજા સાથે અમાવાસ્યા પ્રસંગે ખાસ દર્શને આવી હતી ત્યારે આ ઘટના બની હતી. મહિલા લઘુશંકા માટે જતાં પુરુષોએ તેને બંધક બનાવી લીધી હતી અને ભત્રીજાએ મહિલાનો બચાવ કરવા પ્રયાસ કરતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. ભત્રીજાને પોલીસને 100 નંબર પર ફોન કરીને ઘટનાની જાણ કરતાં પોલીસ તત્કાળ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળેથી આરોપીઓ ભાગે તે પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે મહિલાને તબીબી પરીક્ષણ માટે મોકલી આપી હતી જ્યારે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ફોરેન્સિક પુરાવા એકત્ર કરીને પોલીસ ઘટનામાં તપાસ કરી રહી છે. બોકસ
આંધ્રપ્રદેશમાં બાળકીની છેડતી: લોકોમાં રોષ આંધ્ર પ્રદેશના ગુંટૂર ખાતે બુધવારે 20 વર્ષના એક યુવાને 9 વર્ષની ક્ધયાની છેડતી કરતાં લોકોમાં રોષ ભભૂકી ઊઠયો હતો. આરોપીને સોંપી દેવાની માગણી સાથે પોલીસ સ્ટેશન પર લોકોએ પથ્થરમારો કરતાં ચાર પોલીસ જવાનોને ઇજા પહોંચી હતી. રોષે ભરાયેલા ક્ધયાના સગાસંબંધીઓએ પોલીસ મથક પર પથ્થરમારો કર્યો, ઉપરાંત 22 વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. લોકોને શાંત કરવા પોલીસ મથક પહોંચી ગયેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના દુષ્કર્મની નહીં પણ છેડતીની હતી.