દિવ્યાંગ બાળકો માટે ફેશન અને ટેલેન્ટ શો યોજાશે

29 એપ્રિલે મોરબીમાં દેશના દિવ્યાંગો રજૂ કરશે પોતાની કલા નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર દ્વારા 90થી વધુ દિવ્યાંગોના ફેશન રાઉન્ડનું આયોજન ; દેશના કોઈપણ દિવ્યાંગ બાળકોને ઓપરેશન જેવી મોંઘીદાટ સહાય માટે સંસ્થાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે રાજકોટ તા,19
નારાયણ સેવા સંસ્થા ઉદયપૂર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકોને વિવિધ સહાય પૂરી પાડવામાં આવે છે. તેમજ દિવ્યાંગોમાં રહેલી કલાને વિકસાવવામાં આવે છે. સંસ્થાના દેશના દરેક જિલ્લામાં આશ્રમ આવેલા છે. દેશના કોઈપણ દિવ્યાંગને પડતી મુશ્કેલી તેમજ મોંઘાદાટ ઓપરેશન સંસ્થા નિ:શુલ્ક કરી આપે છે. આગામી 29 એપ્રિલે મોરબીમાં સંસ્થા દ્વારા દિવ્ય 2018 કાર્યક્રમનું આયોજન કરાયું છે.
રાજસ્થાનના ઉદયપુર સ્થીત નારાયણ સેવા સંસ્થા છેલ્લા 32 વર્ષોથી દિવ્યાંગ ભાઈ-બહેનોને નિ:શુલ્ક ચિકિત્સા, સહાયતા અને જરૂરી ઓપરેશન કરાવી, તેમને પ્રશિક્ષિત કરી સક્ષમ બનાવતી પ્રતિષ્ઠીત સ્વયં સેવી સંસ્થા છે. આ સંસ્થા દિવ્યાંગ લોકોના જીવનમાં ખુશીયોના રંગ ભરવા અને તેમનામાં રહેલ પ્રતિભાઓને બહાર લાવવા અને તેને સમક્ષ પ્રસ્તુત કરવાના આશય સાથે, આગામી તા.29 એપ્રિલ 2018ને રવિવારના રોજ મોરબી મુકામે ‘દિવ્ય 2018’ નામથી દિવ્યાંગ ફેશન અને ટેલેન્ટ શો, મોરબીના રવાપર રોડ સ્થીત ઓમ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કર્યું છે.
આ અંગે નારાયણ સેવા સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત ભૈયા માને છે કે દિવ્યાંગોમાં અપાર પ્રતિભાઓ રહેલી છે. જ્યારે તેમને મોકો મળે છે, ત્યારે તેઓ સાબીત કરી આપે છે કે તેઓ શારીરિક સક્ષમ લોકો કરતા ઉત્સાહ, સંવેદનશીલતા અને ટેલેન્ટ જેવી ઘણી બાબતોમાં સિધ્ધહસ્ત છે. 29 એપ્રિલના સાંજે 7 કલાકે યોજાનાર આ ભવ્ય કાર્યક્રમના આયોજનને વ્હિલચેર, બૈસાખી, કેલીપર્સ અને આર્ટીફીશીયલ લીંબ એમ કુલ ચાર ભાગમાં રજુ કરાશે. આજ પ્રકારે ગત માસમાં સુરત ખાતે પણ આવા જ ફેશન અને ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા દિવ્યાંગોએ પોતાની પ્રતિભાથી દર્શકોને અચંબીત કર્યા હતા.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સંસ્થા દિવ્યાંગોના નિ:શુલ્ક ઓપરેશન કરાવવા ઉપરાંત તેમના જીવનને સુગમ બનાવવા માટે તેમને રોજગારીની તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંસ્થાના સિલાઈ પ્રશિક્ષણ કેન્દ્રમાં ટ્રેઈનીંગ લીધેલા દિવ્યાંગોના કુશળ હાથો વડે ઘણી ડિઝાઈનના વસ્ત્રો તૈયાર થયા છે. આ વસ્ત્રોને પહેરી દિવ્યાંગ પ્રતિયોગીઓ આ ફેશન શોના સ્ટેજ પર કેટ વોટ કરતા નજરે પડશે. આ તકે યોજાયેલ દિવ્યાંગ બાળકોનો ડાંસ અને ટેલેન્ટ શો પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આજ દિવસે સંસ્થાના સહયોગીઓનુ સ્નેહ-મિલન પણ યોજાશે.
ફેશન શોમાં ફેશનના વિવિધ રાઉન્ડ યોજાશે જેમાં ફેશન રાઉન્ડ વિથ વિલચેર, ફેશન રાઉન્ડ વીથ ક્રેચેસ (કાંખ ઘોડી), અને ફેશન રાઉડ વીથ આર્ટીફીશીયલ લીંબ (કૃત્રિમ અંગો), એમ કુલ ચાર શ્રેણીમાં પ્રસ્તુતી કરાશે. દરેક શ્રેણીમાં 10-10 પ્રતિયોગીઓ હશે. દરેક પ્રતિયોગી સાથે વોક દરમિયાન એક સહાયક પણ સાથે રહેશે. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ-બહેનો વ્હિલચેર ડાંસ પણ રજુ કરનાર છે. આ ફેશન શોની વિશેષતા એ છે કે જે વસ્ત્રો અને ડિઝાઈનર પરિધાન તેઓ પહેરવાના છે, તે પણ દિવ્યાંગો દ્વારા જ સંસ્થાના પ્રશિક્ષણ કેન્દ્રમાં જ તૈયાર થયેલા છે.
આ કાર્યક્રમની વિગતો આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજકોટ શાખાના અધ્યક્ષ જેન્તીભાઈ ઠુમ્મર, મોરબી શાખા અધ્યક્ષ, ઘનશ્યામસિંહ ઝાલા, ઉદયપુર ઓફીસથી પધારેલા સુરેશભાઈ ગોહેલ, રાજકોટ પ્રભારી તરુણ નાગદા, અમદાવાદ પ્રભારી, કૈલાશ ચૌધરી અને બરોડા પ્રભારી જીતેશ વ્યાસ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદનું સંચાલન, પરિષ પીઆર અને એડવર્ટાઈઝીંગના પરિષ જોષી દ્વારા કરાયું હતું. નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર દ્વારા યોજાનાર ‘દિવ્ય 2018’ કાર્યક્રમની માહિતી આપતા સુરેશભાઈ ગોહેલ, જેન્તીભાઈ ઠુમ્મર, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના નજરે પડે છે.