રૂડામાં 100થી વધુ બિલ્ડરોને ઓનલાઇન બાંધકામની તાલીમ અપાઇ

એક એપ્રિલથી બાંધકામ મંજૂરી અપાશે રાજકોટ તા.17
રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી 1 એપ્રિલથી બીલ્ડરોને ઓનલાઇન બાંધકામની મંજુરી આપવામાં આવનાર છે. આ માટે રાજકોટ રૂડા દ્વારા ગઇકાલે સાંજે 100 જેટલા બીલ્ડરો અને આર્કીટેકોને ઓનલાઇન બાંધકામની તાલીમ આપવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ કોમન જીડીસીઆરમાં સુધારા કરવામાં આવ્યો છે અને તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. પ000 ચો.મી. થી વધુના બાંધકામના પ્રોજેકટ માટે બીલ્ડરોને અત્યાર સુધી કચેરીના ધક્કા ખાવા પડતા હતા. હવે રાજ્ય સરકારે બાંધકામ મંજુરી માટે ઓનલાઇન કાર્યવાહી શરૂ કરી દીધી છે.
બાંધકામ અને વિકાસની પરવાનગીમાં પારદર્શકતા અને ઝડપી કામકાજ થાય તે માટે તમામ મહાનગરપાલીકા, નગરપાલીકા, શહેરી વિકાસ સત્તામંડળમાં 1 એપ્રિલથી બાંધકામ પરવાનગી ઓનલાઇન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓનલાઇન બાંધકામની પરવાનગી કેવી રીતે મેળવવી તે માટે રાજકોટ રૂડાના સીઇઓ પરીમલ પંડયા દ્વારા ગઇકાલે રૂડાના ઓડીટોરીયમ ખાતે 100 જેટલા બીલ્ડરો અને આર્કીટેકોને ઓટોકોડ અંગેની માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં મોટા પ્રોજેકટ માટે ઓનલાઇન બાંધકામની મંજુરી આપવામાં આવનાર છે પરંતુ પ0 ચો.મી. થી લઇને 1000 ચો.મી. સુધીના પ્રોજેકટના બાંધકામ માટે એપ્રિલથી જ મંજુરી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.