કલેકટર કચેરીની ડુડા શાખાની 200થી વધુ ફાઈલ નગરપાલિકા કમિશ્નરને સોંપવા તજવીજ

રાજકોટ ઝોનના કમિશનર ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો: ગ્રાટ ફાળવણી અને પાલિકા વિસ્તારનો વિકાસ ઝડપથી થશે રાજકોટ તા,17
રાજ્યને વહીવટી રીતે 6 ઝોનમાં વિભાજીત કરી નગરપાલિકાઓને નગરપાલિકા કમિશ્નર હસ્તગત કરાયા બાદ આજરોજ રાજકોટ ઝોનના નગરપાલિકા કમિશ્નર હાજર થયા છે. દરમિયાન રાજકોટ ઝોનની 30 નગરપાલિકાઓના વિવિધ વિકાસ કામોની 200 જેટલી ફાઈલો ડુડા શાખાનો સંકેલો થઈ જતા કલેકટર તંત્રમાંથી નગરપાલિકા કમિશનરને સોંપવા તજવીજ શરૂ થઈ છે.
નગરપાલિકા કમિશનરે ચાર્જ સંભાળી લેતાં હવે નગરપાલિકાની ગ્રાન્ટની ફાળવણી તથા વિકાસના કામો ઝડપથી થશે.
રાજ્ય સરકારે નગરપાલિકાના વહિવટી કાર્યો માટે રાજ્યને 6 ઝોનમાં વિભાજીત કરી રાજકોટ ઝોનના નગરપાલિકા કમિશનર તરીકે આઈએએસ અધિકારી ગૌરાંગ મકવાણાની નિમણૂંક કરતા આજરોજ તેઓએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. સરકારી વિભાગોમાં સૌથી નબળી કામગીરી ડુડા શાળાની હતી. રાજ્ય ઝોનમાં વિભાજીત થઈ જતાં ડુડા શાળાનો સંકેલો થઈ ગયો છે. રોડ કલબમાં ન.પા. કમિશ્નરની બ્રાન્ચ શરૂ થઈ જતાં રાજકોટઝોન હેઠળ આવતી 30 નગરપાલિકાઓના વિવિધ વિકાસકામોની 200થી વધારે ફાઈલો હવે ડુડા સમાપ્ત થઈ જતાં ન.પા. કમિશ્નરને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
અત્યાર સુધી ન.પા.ના વિવિધ કામો માટે ટેકનિકલ સ્ટાફના અભાવે વિકાસને વેગ મળતો ન હતો પરંતુ ન.પા.કમિશનરની બ્રાન્ચને એન્જિનિયરો સહિતનો ટેકનિકલ સ્ટાફ સહિતનું મહેકમ ફાળવવામાં આવશે તથા મહાનગરપાલિકાની તર્જ પર જ કાર્યપધ્ધતિ થવાથી ન.પા.નો ઝડપી વિકાસ થશે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છને નગરપાલિકાઓની દ્રષ્ટીએ બે ભાગમાં વહેંચી બે ઝોન બનાવાયા છે. જેમાં રાજકોટ અને ભાવનગરનો સમાવેશ થઈ છે. રાજકોટ ઝોનમાં કચ્છની - 6, જામનગરની - 4, દ્વારકાની - 6, મોરબીની - 4, પોરબંદરની - 4અને રાજકોટની - 6 મળી કુલ 30 નગરપાલિકાઓનો સમાવેશ થયો છે. હવે રોડ, ગટર, પાણી, વીજળી સહિતના તમામ પ્રોજેકટ તથા ગ્રાન્ટની ફાળવણી નગરપાલિકા કમિશનરના હસ્તક થશે. આજથી જ રાજકોટ ઝોનના ન.પા.કમિશનર ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળી લેતા ડુડાની 200થી પણ વધારે ફાઈલો હવે ન.પા.કમિશનરને તબદીલ કરવા તૈયારીઓ શરૂ થઈ છે.