પ્રદેશ પ્રમુખની મુલાકાત સમયે જ કોંગ્રેસમાં જૂથવાદનો ફૂંફાડો


સ્કૂલ ફી, કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને પાણીના બોકાસા વચ્ચે પ્રજાની પડખે ઉભા રહેવાના બદલે કોંગ્રેસમાં ‘એ.સી. કલ્ચર’નો ઉદય સાઇડમાં ધકેલાયેલા ભટ્ટી જૂથે ચોખામાંથી ઉંદર કાઢી ચાપલુસીખોરોને માર્યો તમતમતો તમાચો ધારાસભામાં ધોબી પછડાટ અને કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં મતદારોએ ‘નાક’ વાઢી લીધું છતા ‘પ્રમુખો’ હવામાં રાજકોટ,તા.17
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાની પ્રથમ મુલાકાત સમયે જ શહેર કોંગૅેસના આંતરિક જૂથવાદે ફૂફાડો મારીને કોંગ્રેસની આબરૂના ભડાકા કરતા ભારે ચકચાર જાગી છે અને શહેર કોંગ્રેસમાં કબ્જો જમાવીને બેસી ગયેલા પેપર ટાઇગર જેવા ચાપલુસીઓરો સામે કાર્યકરોમાં આંતરિક રોષની લાગણી ફેલાયેલ છે.
કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ચૂંટાઇ કશે નહી તેવા કાર્યકરો નેતા બની ગયા છે અને સિનિયર ધારાસભ્યોની પણ માન-મર્યાદા જાળવતા નથી. ગઇકાલે પ્રદેશ પ્રમુખની હાજરીમાં વાંકાનેરના સિનિયર ધારાસભ્ય જાવિદભાઇ પોરઝાદાએ અપમાનનો કડવો ઘૂંટ ગળે ઉતારવો
પડ્યો હતો.
પ્રદેશ પ્રમુખની આગળ પાછળ ફરી ચાપલુસી કરવાની લ્હાયમાં કોંગ્રેસના સ્થાનિક હોદેદારોએ ગઇકાલે હદ વળોટી નાખી હતી.
કોંગ્રેસ માટે અનેક-વખત પોલીસના ધોકા ખાનાર અને જેલમાં જનાર જસવંતસિંહ ભટ્ટી, જીતુભાઇ ભટ્ટ, પ્રદિપત્રિવેદી જેવા નેતાઓને બાયપાસ કરી શહેર કોંગ્રેસ સંગઠન ઉપર કબ્જો જમાવનાર ટોળકીએ ધારાસભાની ચૂંટણીના પરીણામોથી પણ કાંઇ ઘડો લીધો નથી. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનો દેખાવ સુધર્યો હતો ત્યારે રાજકોટ શહેરમાં કોંગે્રસ પાસે રહેલી ધારાસભાની એક બેઠક ગુમાવી હતી, એટલું જ નહીં શહેરની ત્રણેય બેઠકો માં તોતીંગ માર્જીનથી ભુંડે હાલ પરાજય થયો હતો ત્યાર બાદ કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસની બેઠક ગુમાવી નાક કપાવ્યું હતું.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પણ આવાવ અંધ ભક્તોથી ચેતવા જેવુ છે. કોંગ્રેસમાં ધારાસભાની ચૂંટણી વખતથી સક્રિય બનેલી ચંડાળ ચોકડી પક્ષના મહેનતકશ અને લોકો સાથે સીધો સંપર્ક ધરાવતા કાર્યકરોને ઇરાદાપૂર્વક સાઇડમાં ધકેલી રહી છે, જાણે ભાજપ સાથે ગુપ્ત સમજુતી કરી કોંગ્રેસની ઘોર ખોદવાની સોપારી લીધી હોય તેવી સ્થિતિ છે.
કહેવાય છે કે, પ્રદેશપ્રમુખની આંખ ઉઘાડવા જ જસવંતસિંહ ભટ્ટી ગૃપે રેશનીંગની દૂકાન ઉપર જનતા રેડ કરી મરેલા ઉંદરવાળુ અનાજ ઝડપી લઇ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને કોંગ્રેસનો પરચો બતાવ્યો હતો.
લોકોની અનેક સમસ્યાઓ છે, સ્કૂલ ફીના સળગતા પ્રશ્ર્ને વાલીઓ પારાવાર હેરાનગતિ ભોગવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના ‘સોપારીબાજો’ને આ સમસ્યા દેખાતી નથી, પાણીની સમસ્યાથી લોકો બોકાસા નાખી રહ્યા છે પરંતુ કોંગ્રેસના એરક્ધડીશન કલ્ચર પાસે પ્રજા માટે ફૂરસદ નથી. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ છે પણ કોંગ્રેસનાં પેપર ટાઇગરોને તેમાં રસ નથી, માત્ર ઓફિસમાં બેસી ફોટા પડાવવામાં અને નિવેદન કરવામાં જ રસ છે. અત્યારે લોકોની સમસ્યાઓ અપરંપાર છે પરંતુ શાસકપક્ષ સાથે કોંગ્રેસની સેટીંગબાજ ટોળકી પાસે ફૂરસદ નથી. ચૂંટણી સમયે માત્ર ડંફાસો મારતા કોંગ્રેસના આ ‘બહાદૂરો’ને પણ ખબર છે કે, આપણને કોઇ મત આપે તેમ નથી માટે પ્રદેશનેતાઓની પગચંપી કરી અસ્તિત્વ જાળવવા હવાતિયા મારે છે. શાસકપક્ષ સાથે સેટીંગ? પ્રદેશ નેતાઓની ચાપલુસી કરી શહેર કોંગ્રેસમાં હોદા લઇને બેસી ગયેલા નેતાઓ કપરા સમયમાં પ્રજાની પડખે રહેવાના બદલે પ્રજાદ્રોહ કરી શાસકપક્ષ સાથે સેટીંગ કરી ‘મલાઇ’ તારવતા હોવાની વાત ‘ઓપન સિક્રેટ’ જેવી છે. મતપેટીમાં તેનાં પડઘા સંભળાયા જ છે આમછતાં પ્રદેશ નેતાઓને પણ ‘અંધાપો’ આવી ગયો હોય તેવી સ્થિતિ છે. કોંગ્રેસથી મોં ફેરવી ગયેલા મતદારોને ફરી કોંગ્રેસ તરફ વાળવા હોય તો સૌ પ્રથમ સંગઠનના કેટલાક ‘થોબડા’ કાયમી ધોરણે બદલવા પડે તેમ છે. સિનિયર ધારાસભ્યનું અપમાન ગઇકાલે કોંગ્રેસ પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં વાંકાનેરના કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય જાવિદભાઇ પીરઝાદાનું શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂએ અપમાન કરી નાખતા કાર્યકરો ચોંકી ઉઠ્યા હતા.
ધારાસભ્ય પીરઝાદા પ્રદેશ પ્રમુખ સાથે કાર્યક્રમમાં જવા રવાના થતા જ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂએ તેમને અટકાવી બીજા કાર્યક્રમમાં જવા સુચના આપી લઇ કાર્યકરો વચ્ચે ધારાસભ્યનું અપમાન કરી નાખ્યું હતું.
એક જુના કાર્યકરે વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં સિનિયરોને જાહેરમાં અપમાનિત કરવા આ નવા ‘કલ્ચર’નો ઉદય થયો છે અને તેના પરિણામે જ કોંગ્રેસે ધારાસભાની ચૂંટણીમાં કારમી હાર સહન કરવી પડે છે.