રાજકોટ જિલ્લાના તળાવ ઊંડા કરવા કવાયત

1મે થી જળઅભિયાન અંતર્ગત કલેકટર તંત્રનું આગોતરું આયોજન
તળાવ કેટલા ? અત્યારની સ્થિતિ શું ? સહિતની વિગતો મેળવતા અધિક કલેકટર રાજકોટ તા.17
રાજકોટ સહિત રાજ્યભરમાં 1000 જેટલા તળાવ ઉંડા ઉતારવાની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગત રવિવારે જાહેરાત કરી છે અને આગામી 1 મે થી રાજ્યભરમાં પાણી બચાવવા માટે જળ અભિયાનનો પ્રારંભ કરનાર છે ત્યારે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા જીલ્લાના તળાવ ઉંડા કરવા માટે હરકતમાં આવ્યું છે.
અધિક કલેકટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં કેટલા તળાવ છે તેનો સર્વે કરવાનો આદેશ સિંચાઇ વિભાગને આપવામાં આવ્યો છે અને જે તળાવ છે તે ઉંડા ઉતારી શકાય કે કેમ ? અને તેમાં ખોદકામ થઇ શકે છે કે કેમ ? તે અંગે આજે જીલ્લા વિકાસ અધિકારી, સિંચાઇ વિભાગ, એલડીસી (લેન્ડ ડેવલપમેન્ટ કમીટી) સાથે બેઠક યોજવામાં આવી છે.
રાજકોટ જીલ્લામાં અત્યારે પાણીની કોઇ તંગી નથી પરંતુ આગામી ચોમાસા દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સંગ્રહ શકિત વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા તળાવ ઉંડા ઉતારવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામડામાં આવેલા તળાવને ઉંડા ઉતારી તેમાં પાણીનો વધુ સંગ્રહ કરવામાં આવનાર છે જેથી ઉનાળામાં પીવાના પાણીની કટોકટી ન સર્જાઇ. અધિક કલેકટર વોરાએ વધુમાં કહ્યું હતું કે રાજકોટ જીલ્લાનો ઉનાળાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં જસદણ, વિંછીયા અને પડધરી પંથકના તળાવો ઉંડા ઉતારવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ પ્રોજેકટને સમગ્ર રાજ્યમાં અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત સમગ્ર રાજ્યભરમાં 1 હજારથી વધુ મોટા તળાવોને ઉંડા ઉતારવાનું અભિયાન શરૂ કરવામાં આવનાર છે. આગામી 1 મે થી આ કાર્યક્રમ જોરશોરથી શરૂ થશે. તે પૂર્વે રાજકોટ જીલ્લામાં કેટલા તળાવો છે અને કેટલા તળાવોની સંગ્રહ શકિત વધી શકે તેમ છે તે અંગે આજે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.