હોસ્પિટલના દર્દીની જેમ ‘વડલા’ને ચડાવાયા બાટલા


મહેબૂબનગર, તા.17
તેલંગાણાના મહેબૂબનગર જિલ્લામાં આવેલું વડનું ઝાડ દૂનિયાનું સૌથી મોટું વડનું ઝાડ છે. તેનું અસ્તિત્વ હવે સંકટમાં છે તેને બચાવવા માટે તેને કેટલાક કેમિકલ આપવામાં આવી રહ્યા છે અને તેને ફરીથી જીવંત કરવાની કોશિશ થઈ રહી છે. દુનિયાભરમાં પ્રખ્યાત પિલ્લામર્રીમાં આવેલું આ ઝાડ 700 વર્ષ જૂનું છે અને હવે તેનું અસ્તિત્વ નાબૂદ થવાની તૈયારીમાં છે. આ ઝાડ પર ઉધઈનો પ્રકોપ એટલો વધી ગયો છે કે તેણે આ વૃક્ષને ખોખલું કરી નાખ્યું છે. આ કારણે વૃક્ષનો કેટલોક ભાગ પણ પડી ગયો છે અને ડિસેમ્બર 2017 થી અહીં પ્રવાસીઓના આવવા જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવામાં આ વૃક્ષનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
તેના ઈલાજ માટે પહેલા તેના થડમાં કેમિકલ નાખવામાં આવ્યું પણ તે અસફળ રહ્યું. પછી વન વિભાગે નક્કી કર્યું કે જેવી રીતે હોસ્પિટલમાં દર્દીને ઈન્જેક્શનમાં દવા ભરીને આપવામાં આવે છે તેવી જ રીતે આ વૃક્ષને પણ એક એક ટીપું કેમિકલ ચડાવવામાં આવશે.
અધિકારીઓએ આવી હજારો બોટલ તૈયાર કરી અને આ બોટલને દર બે મીટરના અંતરે લટકાવવામાં આવી. ત્યારપછી વૃક્ષને એક એક ટીપું કરીને આ બોટલ ચડાવવામાં આવી રહી છે.
મહેબૂબનગરના જિલ્લા વન અધિકારી ચુક્કા ગંગા રેડ્ડીએ જણાવ્યું હતું કે વૃક્ષને એટલું મોટું છે કે તે લગભગ 3 એકર જમીનમાં પથરાયેલું છે. આ વૃક્ષને બચાવવા માટે તેમણે જાણકાર અને આઇએફએસ ઓફિસર મનોરંજન ભંજાની સલાહ લીધી છે. આ વૃક્ષને બચાવવા માટે તમામ પ્રકારના ઈલાજ કરવામાં આવી રહ્યા છે.