પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત પરશુરામજીનું મહાપૂજન થશે

કાલે સવારે 10.30 કલાકે રામનાથપરા ખાતે ભૂદેવોની બહોળી ઉપસ્થિતિમાં પૂજન-અર્ચન અને મહાઆરતી યોજાશે રાજકોટ તા.17
ભગવાન પરશુરામજીના આવતીકાલે જન્મોત્સવનો અનેરો થનગનાટ ભુદેવોમાં જોવા મળી રહ્યો છે અને આવતીકાલે ઠેરઠેર ચીરંજીવ દેવ ભગવાન પરશુરામજીનું મહાપુજન, શોભાયાત્રા, મહાઆરતી યજ્ઞો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી અને યુવાનોના માર્ગદર્શક એવા બ્રહ્મઅગ્રણી જીતુભાઇ મહેતાના રામનાથપરા ખાતે આવેલ નિવાસસ્થાને ભગવાન શ્રી પરશુરામજીનું પૂજન કરવામાં આવશે.
આ અંતર્ગત વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી જીતુભાઇ મહેતાએ જણાવ્યું હતું કે પરશુરામ જન્મોત્સવ અંતર્ગત છેલ્લા ઘણા વર્ષોથી સર્વધર્મ સમભાવના આશયથી અને સામાજીક સમરસતાનું સ્થાપન થાય તેવા હેતુથી પરશુરામ જન્મોત્સવના દિવસે મહાપુજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ, બ્રહ્મસમાજના તળગોળના આગેવાનો તથા બ્રહ્મઅગ્રણીઓ ઉપસ્થિત રહી આ પુજન-અર્ચનનો લાભ લે છે. જેમાં જીતુભાઇ મહેતાના નિવાસસ્થાને માં ગાયત્રીનું ભવ્ય મંદિર આવેલ છે અને જેની સમીપમાં સ્વયંભુ રામનાથ મહાદેવ બીરાજે છે અને આમ છોટા કાશી ગણાતા આ રામનાથપરા શકિત અને ભકિતની સાથે ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવ્યું છે ત્યારે પંચધાતુના ભગવાન શ્રી પરશુરામજીની મૂર્તિનું શાસ્ત્રી રાહુલભાઇ ભટ્ટ અને ભુદેવો દ્વારા સોળષોપચાર મંત્રોથી પુજન-અર્ચન કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં બ્રહ્મ પરીવારોને ઉપસ્થિત રહેવા જીતુ મહેતાએ જાહેર અનુરોધ કર્યો છે.